- વાપીમાં રક્તદાન શિબિરની સિલ્વર જ્યુબિલી
- આરતી ઇન્ડસ્ટ્રીઝ દ્વારા યોજાય છે રક્તદાન કેમ્પ
- અત્યાર સુધીમાં 7000થી વધુ યુનિટ રક્ત એકત્ર કરાયું
વાપી : દર વર્ષની જેમ આ વર્ષે પણ વાપીની આરતી ઇન્ડસ્ટ્રીઝ દ્વારા 25માં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મંગળવારે યોજાયેલ 25માં રક્તદાન કેમ્પમાં 610 યુનિટ લોહી એકત્ર કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, 25 વર્ષથી યોજાતા આ રક્તદાન શિબિરમાં કંપનીના કર્મચારીઓ વલસાડ જિલ્લાના બિમાર દર્દીઓ માટે લોહીની જરૂરિયાત પૂરી કરવા સ્વેચ્છાએ રક્તનું દાન કરે છે. મંગળવારે વાપી જીઆઇડીસી વિસ્તારમાં આવેલ આરતી ઇન્ડસ્ટ્રીઝ ખાતે સ્વ. રસિકલાલ દેવજી ગાલાના સ્મરણાર્થે 25માં મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં આરતી ઈન્ડસ્ટ્રીઝ તેમજ અન્ય ઇન્ડસ્ટ્રીઝના કર્મચારીઓએ ઉમળકાભેર રક્તદાન કરી 610 યુનિટ રકત એકત્ર કર્યું હતું. જે તમામ યુનિટ સરખે ભાગે વાપીની બ્લડ બેન્કને અને વલસાડ રક્તદાન કેન્દ્રને સુપ્રત કરી લોહીની પડતી ઘટને નિવારવાનો મહત્તમ પ્રયાસ કરવામાં આવ્યો હતો.
જિલ્લામાં રક્તની ઘટ નિવારવા રક્તદાન
રક્તદાન શિબિર અંગે આરતી ઈન્ડસ્ટ્રીઝના હેમાંગ નાયકે જણાવ્યું હતું કે, છેલ્લા 25 વર્ષથી આ પ્રકારનો કેમ્પ યોજવામાં આવે છે. અત્યાર સુધીમાં 24 કેમ્પ કરી 6500 યુનિટથી વધુ રકત એકત્ર કરી લોહીની ઘટ પુરવા મહત્તમ પ્રયાસ કર્યો છે. વાપીમાં ઔદ્યોગિક વસાહતમાં કે, માર્ગ પર થતા અકસ્માતમાં ઘાયલોને તેમજ હોસ્પિટલમાં બીમારી વખતે આવતા દર્દીઓને સમયસર રક્ત મળી શકે તે આ રક્તદાન કેમ્પનો ઉદેશ્ય છે.