- કોરોનામાં ઓક્સિજનની જેમ રક્તની પણ જરૂરિયાત
- રક્તની ઘટ નિવારવા વાપીમાં રક્તદાન કેમ્પનું આયોજન કરાયું
- 3 મહિનામાં 26 કેમ્પ કરી 600 યુનિટ જેટલું બ્લડ એકત્રિત કર્યું
વલસાડ : કોરોના મહામારીમાં જેમ વેક્સિનેશન જરૂરી છે. તેમ આ સમયગાળામાં રક્તની પણ જરૂરિયાત ઉભી થતી હોય છે. જોકે, 1લી મેથી 18 વર્ષથી ઉપરના તમામ નાગરિકો માટે ખાસ વેકસીનેશન ડ્રાઈવ શરૂ થનાર હોય વેકસીન લેનાર વ્યક્તિ 2 મહિના સુધી રક્તનુ દાન નહિ કરી શકે તો, આ સમયમાં રક્તની ઘટ નિવારવા વાપીમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
રસીનો 1 અને 2 ડોઝ લેવા દરમિયાન રક્તદાન નહિ કરી શકાય
વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના હોલ ખાતે આયોજિત રક્તદાન શિબિર અંગે VIAના પ્રમુખ પ્રકાશ ભદ્રા અને સેક્રેટરી સતીશ પટેલે જણાવ્યું હતું કે, કોરોના મહામારીમાં જેમ વેક્સિન અનિવાર્ય છે. ઓક્સિજનની જેમ લોહીની પણ તંગી આવી શકે છે. 1 મે 2021થી 18થી 45 વર્ષના લોકોનું રસીકરણ શરૂ થશે. રસીનો 1 અને 2 ડોઝ લેવા દરમિયાન રક્તદાન નહિ કરી શકાય એટલે કે, રસી લેનાર વ્યક્તિ 2 મહિના સુધી રક્તદાન ન કરી શકે. આવા સંજોગોમાં બ્લડ બેંકમાં રહેલો બ્લડનો જથ્થો પર્યાપ્ત ન પણ હોય શકે. તેથી વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (VIA) દ્વારા અગમચેતી દાખવીને વાપીની બે મુખ્ય બ્લડ બેંક શ્રીમતી પૂરી પોપટ લાખા લાયન્સ બ્લડ બેંકને 115 યુનિટ અને રોટરી હરિયા ન્યુકેમ બ્લડ બેંકને 88 યુનિટ રક્ત પૂરું પાડવામાં આવ્યું હતું. 30 એપ્રિલ 2021ના સવારે 9થી સાંજે 5 સુધી VIA ઓડિટોરિમ ખાતે કોવિડની ગાઇડલાઇન અનુસાર 203 યુનિટ બ્લડ એકઠું કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : મોરબીમાં જિલ્લા શિક્ષણ વિભાગ રક્તદાન કેમ્પનું આયોજન કરાયું