- આયુર્વેદમાં મહારથ હાસિલ કરનાર રમણ પટેલ કોરોના સામે જંગ હાર્યા
- સમાજ સેવા અને શૈક્ષણિક ક્ષેત્રે યુવા વર્ગને આર્થિક મદદ કરનાર તબીબ સેવાકીય પ્રવૃત્તિ માટે જાણીતા હતા
- સંધિવા અને લકવાના દર્દીને તંદુરસ્ત કરવા આયુર્વેદમાં તેમને મહારથ હાસિલ હતું
વલસાડઃ પોતાની સમાજસેવાથી અને સરળ, નિખાલસ સ્વભાવથી જાણીતા રમણભાઈ પટેલ છેલ્લા 50 વર્ષથી બારોલીયા ગામે આયુર્વેદિક ડોક્ટર તરીકે પ્રેકટીસ કરતા હતા. અનેક લોકોના સંધિવા તેમજ લખવા જેવી બીમારીમાં આયુર્વેદિક દવાઓ દ્વારા કેટલાય લોકોને એમની બીમારીમાંથી મુક્તિ અપાવી હતી. પરંતુ કોરોના કાળ દરમિયાન અનેક લોકોને બીમારીથી મુક્તિ અપાવનાર તબીબે પોતે જિંદગીની લડાઈમાંથી હાર મેળવી છે. હોસ્પિટલના બિછાને તેમણે અંતિમ શ્વાસ લીધા હતા, જેને પગલે ધરમપુર નગરનો એક મહત્વનો તારો ખરી પડ્યો એમ કહીએ તો ખોટું નથી.
ધરમપુર નગરમાં આયુર્વેદ થકી અનેકને સાજા કરનાર તબીબ કોરોનાથી જિંદગી હાર્યા આ પણ વાંચોઃમેઘરજના ઇસરી કોવિડ કેર હોસ્પિટલમાં ઓક્સિજન ન મળતા દર્દી મોતને ભેટ્યો
પોતે અનુભવેલી ગરીબી અન્ય કોઈ ન જુએ એ માટે તેઓ શૈક્ષણિકક્ષેત્રે કારકિર્દી બનવતા વિદ્યાર્થીને આર્થિક મદદ કરતા
ડોક્ટર રમણભાઈ પટેલ ખૂબ જ ગરીબીમાંથી પસાર થઈ પોતે આયુર્વેદિક ડોક્ટર તરીકે પદવી મેળવી હતી. પોતે જોયેલી ગરીબી શૈક્ષણિક ક્ષેત્રે કારકિર્દી બનાવનાર અન્ય કોઈ યુવાવર્ગ ન જોવે તેવા હેતુથી કેટલાય પરિવારના કુલદીપકોને શૈક્ષણિક ક્ષેત્રે આગળ વધવા માટે પ્રેરિત કરવા માટે પ્રેરણારૂપ હતા. અનેક સંસ્થાઓમાં તેમણે પોતાના ખુલ્લા હાથે દાન પણ કર્યું હતું. પરંતુ તેઓ ક્યારે પણ કોઈ જગ્યાએ પોતાનું નામ જાહેર કરતા ન હતા, એટલે કે, તેઓ હંમેશા ગુપ્ત રીતે દાન કરવામાં માનતા હતા.
હંમેશા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ફી ભરવામાં મદદરૂપ થતા હતા
તેઓ ધોરણ-8માં અભ્યાસ કરતા હતા, ત્યારે તેમને આગળના ધોરણમાં અભ્યાસ કરવા માટે આર્થિક પરિસ્થિતિ ખૂબ નબળી હોવાથી તેમની પાસે નાણાં પણ ન હતા. આવા સમયે તેમણે પોતે ફ્લાધરા વિસ્તારમાં તે સમયના જાણીતા વૈદ તળશી કાકાને ત્યાં રહી પોતે નોકરી કરી હતી અને માસિક રૂપિયા 8નો પગાર મેળવી આગળ અભ્યાસ કર્યો હતો. આમ પોતાની ગરીબાઈ ના દિવસમાં કરેલી મહેનત અન્ય કોઈ અભ્યાસ કરતા યુવકને કરવી ન પડે એવા હેતુથી તેઓ હંમેશા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ફી ભરવામાં મદદરૂપ થતા હતા. આવા અનેક યુવકોને તેમણે શૈક્ષણિક ક્ષેત્રે પગભર કર્યા છે.
માજી સૈનિકો માટે તેમને ખૂબ માન હતું
માજી સૈનિકો માટે તેમને ખુબ જ માન હતું. દેશની સેવા કરનાર તમામ સૈનિકો માટે તેઓનું ક્લિનિક હંમેશા નિઃશુલ્ક સારવાર આપવા માટે તત્પર રહેતું હતું. વલસાડ જિલ્લાના સૈન્યમાં ભરતી થવા ઇચ્છતા યુવકોને સ્પેશિયલ તૈયારી કરાવવા માટે માજી સૈનિક ફાઉન્ડેશનને પ્રોત્સાહન પૂરું પાડવાનું કાર્ય પણ રમણભાઈ પટેલે કર્યું હતું. ત્યારે આવું અનોખું વ્યક્તિત્વ ધરાવતા અને સેવાભાવી ડોક્ટર રમણભાઈ 12 એપ્રિલના રોજ કોરોનાના કારણે સંક્રમિત થયા હતા.
ધરમપુર નગરમાં આયુર્વેદ થકી અનેકને સાજા કરનાર તબીબ કોરોનાથી જિંદગી હાર્યા આ પણ વાંચોઃઅરવલ્લી જિલ્લાના બાયડમાં એક વ્યક્તિનું મોત થતા કપિરાજો ઉમટ્યાં
26 એપ્રિલના રોજ તેમણે હોસ્પિટલના બિછાને અંતિમ શ્વાસ લીધા હતા
તેમની તબિયત વધુને વધુ બગડી જતા સારવાર માટે વલસાડની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 26 એપ્રિલના રોજ તેમણે હોસ્પિટલના બિછાને અંતિમ શ્વાસ લીધા હતા. ડોક્ટર રમણભાઈ પટેલ જેવા વ્યક્તિત્વનું કોરોનાકાળમાં અચાનક જ નિધન થતા, તેમને ત્યાં સારવાર લેવા આવતા અનેક દર્દીઓ પણ સમાચાર સાંભળી શોકમાં મુકાયા છે. આમ હંમેશા લોકસેવા માટે તત્પર રહેતા રમણભાઈ પટેલ જેવા વ્યક્તિત્વને સમાજ હંમેશા યાદ રાખશે અને તેમના સેવાકાર્યથી તેઓ હંમેશા સમાજમાં જીવંત રહેશે.