વલસાડ: જિલ્લાના ધરમપુર તાલુકા ખાતે આયુષ નિયામકની કચેરી ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદ અધિકારી, તિસ્કરી તલાટના ડૉ. સેજલ પટેલના માર્ગદર્શન હેઠળ પહેલ ચેરીટેબલ ટ્રસ્ટના સ્વયંસેવકોના સહયોગથી 70 હજારથી વધુ લોકોને આરોગ્યવર્ધક ઊકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
કોરોનાની મહામારીમાં રોગ પ્રતિકારક શક્તિ વધે એવા હેતુથી ધરમપુરના અંતરિયાળ ગામોમાં વિતરણ કામગીરી માટે તારીખ 20 જૂલાઇથી થી સાત દિવસ માટે દરરોજ 80 લિટરથી વધુ ઉકાળો 3 રાઉન્ડમાં બનાવવામાં આવતો હતો.
વિવિધ વિસ્તારો જેવા કે, પ્રતાપબા પાર્ક, જાંબુડી પાસે, મોટા બજાર, દશોંદી સ્ટ્રીટ, લક્ષ્મી નારાયણ મંદિર, રામજી મંદિર, મહાલક્ષ્મી સોસાયટી, હનુમાન સ્ટ્રીટ, કુંભારવાડ, વીમળદેશ્વર મહાદેવ, હાથીખાના, ટાવર પાસે, ત્રણ દરવાજા, ગાર્ડન રોડ, નગરપાલિકા ઓફિસ, પોલીસ સ્ટેશન, મામલતદાર ઓફિસ, તાલુકા હેલ્થ ઓફિસ, તાલુકા પંચાયત ઓફિસ, લાઇબ્રેરી પાસે, જયાગૌરી પાર્ક વગેરે 22થી વધુ જાહેર જગ્યાઓ ઉપર ઉકાળા વિતરણનો લાભ લોકો દ્વારા લેવામાં આવ્યો હતો.
નોંધનીય છે કે, વલસાડ જિલ્લામાં કોરોનાનો આંક 700ને પાર કરી ગયો છે અને ધીરે-ધીરે આ બીમારી ગ્રામીણ કક્ષા તરફ પણ વધી રહી છે. ત્યારે આવા સમયે ગ્રામીણ કક્ષાના લોકોની રોગપ્રતિકારક શક્તિ વધે એવા હેતુથી ધરમપુર ના વિવિધ સ્થળોએ ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.