વલસાડઃ જિલ્લામાં પણ વિવિધ આયુર્વેદિક સરકારી દવાખાના દ્વારા જાહેર જનતા માટે વિનામૂલ્ય ઉકાળા વિતરણ કરવામાં આવી રહ્યા છે. જેના દ્વારા વલસાડના લોકોની રોગપ્રતિકારક શક્તિ વધારી જિલ્લાને કોરોના વાઇરસથી મુક્ત કરી શકાય.
કોરોના વોરિયર્સ કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે રાત દિન કામ કરી રહ્યા છે, ત્યારે તેઓ પોતે પણ નિરોગી અને ખડતલ રહે તે જરૂરી છે. આ વિચાર સાથે વલસાડના ધરમપુર ખાતે આયુર્વેદ વિભાગ દ્વારા સરકારી દવાખાનામાં કોરોના વોરિયર્સ અને આપણા હિરોઝ એવા પોલિસકર્મીઓ તથા આરોગ્ય વિભાગના કર્મચારીઓને ઉકાળા વિતરણનો લાભ આપવામાં આવ્યો હતો.
દુનિયાભરના વૈજ્ઞાનિકો અને તજજ્ઞો કોરોના વાઇરસથી બચવા માટે દવા તથા રસીઓની ખોજમાં લાગ્યા છે, ત્યારે જ્યાં સુધી કોઇ દવા ન શોધવામાં આવે ત્યાં સુધી આપણી રોગ પ્રતિકારક શકિ્ત વધારી રોગોથી બચી શકાય તે જ એક વિકલ્પ રહ્યો છે.
આવા સમયે હોમિયોપેથીક દવા તથા આરોગ્યવર્ધક ઉકાળાના મહત્ત્વ અંગે જાગૃતતા મેળવી આયુર્વેદ તરફ દુનિયાએ પ્રયાણ કર્યું છે. ભારતીય આરોગ્ય વિભાગ દ્વારા પણ આરોગ્યવર્ધક ઉકાળાને દૈનિક રીતે ગ્રહણ કરવા અંગે સૂચનો આપવામાં આવ્યા છે.