- ચોમાસાના ત્રણ માસ સુધી નદીનો ચેકડેમ કમ કોઝ-વે (Checkdam cum cause-way) ડૂબેલો રહે છે
- સામાન્ય વરસાદ આવતાની સાથે જ નદીમાં આવતા પૂરને કારણે પાણીની બ્રિજની ઉપરથી ફરી વળે છે
- બ્રિજની બંને તરફ આવેલા 40થી વધુ ગામોના લોકો માટે આવાગમન માટે આ એક માત્ર બ્રિજ છે
- સ્થાનિકોની વારંવાર રજૂઆત કરવા છતાં હજી સુધી આ બ્રિજની ઊંચાઈ વધારવા કોઈ કામગીરી કરાઈ નથી
- અરણાઈ ગામને એક તરફ પ્રવાસન ધામ તરીકે વિકસાવવાની પહેલ કરાઈ રહી છે, પરંતુ ત્યાંના લોકોની સમસ્યા હજી ઠેરની ઠેર છે
- ચોમાસા દરમિયાન સ્થાનિક લોકોને આવવા-જવામાં માટે મુશ્કેલી પડે છે
વલસાડઃ ધરમપુર તાલુકાના ધામણી અને કુંડા અરણાઈ ગામને જોડતો પાર નદી ઉપર બનેલો ચેકડેમ કમ કોઝ-વે (Checkdam cum cause-way) આવેલો છે, જે ચોમાસાના 2થી 3 મહિના સુધી વરસાદી પાણી આવવાના કારણે હંમેશા માટે ડૂબેલો રહે છે. નીચાણવાળો બ્રિજ હોવાથી સામાન્ય વરસાદ થતાની સાથે જ નદીમાં પાણી આવતા આ બ્રિજ ડૂબી જાય છે. આથી લોકો બ્રિજ ઉપરથી એક બાજુથી બીજી બાજુ જઈ શકાતું નથી. આવા સમયે લોકોને 50 કિલોમીટરનું ચક્કર કાપવાની ફરજ પડે છે. એમાં પણ ચોમાસાના ચાર માસ સુધી લોકોની સ્થિતિ ખૂબ જ દયનીય બનતી હોય છે.
આ પણ વાંચો-વાપી-સેલવાસ માર્ગ પર કાળઝાળ ગરમીમાં ડામર પીગળતા રાહદારીઓને મુશ્કેલી પડી
બ્રિજ પરથી પાણી ફરી વળતા લોકોને પસાર થવાની મુશ્કેલી પડે છે
ધામડી અને કુંડા ગામની વચ્ચેથી પસાર થતી પાર નદીના બ્રીજ ઉપર બનેલો નીચાણવાળો ચેકડેમ કમ કોઝ-વે ધામણી અને કુંડા ગામને જોડે છે. આ સાથે જ આરણાઈ ગામને પણ જોડે છે. અહીંથી આવતા-જતા લોકોને જો આ બ્રિજ ખૂલ્લો હોય તો માત્ર દોઢથી બે કિલોમીટરમાં તેઓ પોતાના ગંતવ્ય સ્થાને પહોંચી શકે છે, પરંતુ ચોમાસા દરમિયાન આ બ્રિજ ડૂબેલો રહેવાને કારણે લોકોને ધરમપુર જવું હોય તો 25 કિલોમીટર જ્યારે કપરાડા જવું હોય તો 50 કિલોમીટર ચકરાવો કાપવાની ફરજ પડે છે.