વલસાડઃ રહેણાંક વિસ્તારમાં વીજ બીલના ગ્રાહકોમાં લોકડાઉન અગાઉના 3 માસમાં જે લોકોનો સરેરાશ વીજ વપરાશ 50 ટકા કરતાં ઓછો હશે તેવા જ ગ્રાહકોને વીજબીલમાંથી મીનીમમ ચાર્જ એટલે કે ફિક્સ અને ડિમાન્ડ ચાર્જ ભરવામાંથી મુક્તિ આપવામાં આવશે. ત્યારે વલસાડ જિલ્લામાં 8 લાખથી વધુ વીજગ્રાહકો છે.
લોકડાઉનમાં વીજ વપરાશ ઓછો કર્યો હશે તો વીજ કંપની આપશે ફિક્સ ચાર્જમાં રાહત કોરોનાના કપરા કાળ દરમિયાન છેલ્લા બે માસ એટલે કે, એપ્રિલ અને મે માસમાં લોકડાઉન જેવી સ્થિતિ સર્જાઈ હતી અને આ બે માસ દરમિયાન દરેક ધંધા રોજગાર પર તેની સીધી અસર પડી હતી. જેના કારણે અનેક લોકો બેરોજગાર બન્યા હતા. ત્યારે આવા સમયમાં બે મહિના માટે મધ્યમ વર્ગીય પરિવારોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. એમાં પણ જ્યારે વીજ બિલની વાત આવે ત્યારે બે મહિનાનું બિલ એકસાથે ભરવાની વાત હતી. પરંતુ લોકાડાઉમ દરમિયાન મધ્યમ વર્ગીય પરિવારોને મુશ્કેલી ન ઉભી થાય તે માટે સરકારે વીજબિલમાં પણ રાહત આપવાની વાત કરી હતી.
પરંતુ આ રાહત માત્ર એવા લોકો માટે રાહત સાબિત થઇ રહી છે કે, જેમણે લોકડાઉન પૂર્વે ત્રણ માસ સુધી સરેરાશ 50 ટકા કરતા ઓછો વીજ વપરાશ કર્યો હોય તેવા જ ગ્રાહકોને દક્ષિણ ગુજરાત વીજ કંપની તેમના ફિક્સ ચાર્જમાંથી મુક્તિ આપશે. પરંતુ આવા ગ્રાહકોનું પ્રમાણ વધુ હોઈ શકે તેમ છે.
જો કે, આ સમગ્ર બાબતે જ્યારે વલસાડ જિલ્લા દક્ષિણ ગુજરાત વીજ કંપનીમાં અધિકારીઓ સાથે વાતચીત કરવામાં આવી તો તેમણે કેમેરા સમક્ષ આવવાની સ્પષ્ટપણે ના પાડી દીધી હતી અને તેમણે જણાવ્યું કે, તેઓની પાસે હજુ સુધી કાયદેસર રીતે કોઈ પરિપત્ર આવ્યો નથી. પરંતુ અખબારમાં આવેલી દક્ષિણ ગુજરાત વીજ કંપનીની સ્પષ્ટતાના આધારે હાલ વીજ બિલ આપવામાં આવી રહ્યા છે. મહત્વની વાત એ છે કે, જ્યારે ગ્રાહક વીજ બીલ ભરવા આવશે ત્યારે તેઓને કેટલો અને કેવો લાભ મળશે એ તો આવનારો સમય જ બતાવશે. હાલ વલસાડ જિલ્લામાં 8 લાખથી વધુ વીજ ગ્રાહકો છે.