વલસાડઃ કોરોનાના ભય વચ્ચે પણ વાપીની આરતી ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા 3000 કર્મચારીઓ કંપનીને આર્થિક સદ્ધર બનાવવા દિવસરાત મહેનત કરી રહ્યાં છે. આ કર્મચારીઓ માટે કંપનીએ ખાસ મેડિકલ ટીમ તૈયાર કરી છે. કોઈ પણ કર્મચારી કે મુલાકાતીને કોરોના વાયરસની અસર થઈ હોય અને તેને કારણે અન્ય કર્મચારીઓ તેની ઝપેટમાં સપડાય તે પહેલાં કંપનીએ આ તકેદારી દાખવી છે.
કોરોના ઇફેક્ટઃ વાપીની એક ઇન્ડસ્ટ્રીઝમાં મેડિકલ-પેરામેડિકલ સ્ટાફ તૈનાત કરાયો - કોરોના વાયરસ
સમગ્ર દુનિયા સાથે ભારતમાં પણ હાહાકાર મચાવેલા કોરોના વાયરસ સામે સરકારની સાથે કોર્પોરેટ કંપનીઓ પણ સજાગ બની છે. વાપીમાં 3 હજાર કર્મચારીઓને રોજગારી આપતી આરતી ઇન્ડસ્ટ્રીઝમાં હાલ ખાસ મેડિકલ પેરામેડિકલ ટીમ તૈનાત કરવામાં આવી છે. જેઓ કંપનીમાં આવતા તમામ કર્મચારીઓ, મુલાકાતીઓનું સ્ક્રીનીંગ કરી જરૂરી માર્ગદર્શન આપીને ત્યાર બાદ જ કંપનીમાં એન્ટ્રી આપી રહ્યા છે.

જે અંગે કંપનીમાં ફેક્ટરી મેડિકલ ઓફિસર તરીકે કામ કરતા ડૉ. સુરેશ રોહિતે જણાવ્યું હતું કે, કંપનીમાં આમ તો 365 દિવસ માટે 4 ફેક્ટરી મેડિકલ ઓફિસર અને 14 મેલ સ્ટાફ નર્સ કામ કરે છે. હાલમાં કોરોના વાયરસના ભયને કારણે અમે તમામ સજાગ બની કંપનીના દરેક કર્મચારી મુલાકાતીને કોરોના વાયરસનો ચેપ છે કે કેમ તેની તપાસ કરી એન્ટ્રી આપીએ છીએ. આ માટે દરેક કર્મચારી મુલાકાતીને હેન્ડ સેનીટાઇઝરથી હાથ ધોવડાવીએ છીએ, માસ્ક આપીએ છીએ અને ઇન્ફ્રારેડ હેન્ડ ગનથી તેના શરીરનું તાપમાન ચેક કરી જરૂરી માર્ગદર્શન આપીએ છીએ.
એક તરફ દેશમાં અને દુનિયામાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. લોકો પોતાના ઘરબહાર નીકળતા પણ ડરી રહ્યાં છે. ત્યારે વાપીની કંપનીએ કરેલી આ પહેલ અન્ય ઉદ્યોગકારો, વેપારીઓ પણ કરે તો કોરોનાના કહેર સામે દેશનું અર્થતંત્ર ફરતું રહેશે અને મજબૂત અર્થતંત્ર થકી કોરનાનો સામનો પણ કરી શકીશું.