ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડઃ ઓવરબ્રિજની વર્ષો જૂની માંગણી નહીં સંતોષાતા ભીલાડ રેલવે ફાટક બની રહ્યું છે મોતનું ફાટક

ભીલાડ નેશનલ હાઇવે નંબર-48 પર રેલવે ફાટક નજીક એક સાથે ચાર ટ્રકનો અકસ્માત થતાં ટ્રાફિકજામ સર્જાયો હતો. ત્યારે ફરી એકવાર ભીલાડ રેલવે ફાટક પર બ્રિજ બનાવવાની માગણી લોકોમાં ઊઠી છે.

bhilad-railway-gate
ભીલાડ રેલવે ફાટક પર ઓવરબ્રિજની બનાવવાની માંગ

By

Published : Oct 25, 2020, 5:49 PM IST

  • ભીલાડ રેલવે ફાટક પર બ્રિજ બનાવવાની લોકોની માંગ
  • ભારે વાહનોની અવરજવર હોવાથી સતત સર્જાય છે અકસ્માત
  • થોડા દિવસો પહેલા એક સાથે ચાર ટ્રકનો અકસ્માત થતાં સર્જાયો હતો ટ્રાફિકજામ

વલસાડઃ જિલ્લામાં ભીલાડ સરીગામ ઈન્ડસ્ટ્રીઝમાં વધી રહેલા ઔદ્યોગીકરણ અને પ્રદૂષણકારી એકમોથી સરીગામ-ભિલાડ જ નહીં પરંતુ તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારના મુખ્ય માર્ગો પર ટ્રાફિક સમસ્યા, ધ્વનિ પ્રદૂષણ, વાયુ પ્રદૂષણ જોવા મળે છે. આ ઉપરાંત ગમખ્વાર અકસ્માત સર્જાઈ રહ્યા છે. ભીલાડ ફાટક પર ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે વકરતી હોવાના કારણે સ્થાનિક લોકોમાં રોષની લાગણી ભભૂકી ઉઠી છે.

ભીલાડ રેલવે ફાટક પર ઓવરબ્રિજની બનાવવાની માંગ

રેલવે ફાટક બંધ હોય ત્યારે વાહનોની લાગે છે લાંબી કતારો

જિલ્લામાં ભીલાડ ખાતે એક તરફ નેશનલ હાઇવે નંબર-48 છે, તો તેને સમાંતર 200 મીટરે રેલવે ટ્રેક છે. જે ક્રોસ કરીને વાહન ચાલકોએ ભીલાડ-સરીગામ અને ઉમરગામ આવાગમન કરવું પડે છે. આ અરસામાં જો રેલવે ફાટક બંધ હોય તો, વાહનોની લાંબી કતારો લાગે છે. આવી જ લાંબી કતાર દરમિયાન અનેક વખત ગંભીર અકસ્માતો થયા છે. જેમાં ફરી એકવાર એક સાથે ચાર ટ્રકના અકસ્માત થયા હતા. જો કે, સદ્દનસીબે અકસ્માતમાં નાની-મોટી ઇજાઓ સાથે જાનહાનિ ટળી હતી. ત્યારે આ પ્રકારના અનેક અકસ્માતો થતા હોવાથી ગામ લોકો વર્ષોથી અહીં રેલવે બ્રિજ બનાવવાની માંગણી કરી રહ્યા છે.

ભીલાડ રેલવે ફાટક પર ટ્રાફિકજામ

ભીલાડ રેલવે ફાટક પર રોજના 12 હજારથી વધુ ભારે વાહનોની અવરજવર

ભીલાડ રેલવે ફાટક પર એક કંપનીએ કરેલા સર્વે મુજબ રોજના 12 હજારથી વધુ ભારે વાહનોની અવરજવર થાય છે. આ તમામ વાહનો માટે ભીલાડ ફાટક જીવાદોરી સમાન છે. અહીંથી જ ભિલાડ, સરીગામ, ઉમરગામ ઔદ્યોગિક વિસ્તારની કંપનીઓનો માલ સામાન જાય છે અને આવે છે. ભિલાડની ટ્રાફિક સમસ્યાને હલ કરવા માટે સ્થાનિક નેતા અને આદિજાતિ મિનિસ્ટર રમણ પાટકર આગળ આવ્યા હતા, પરંતુ બાદમાં કોઇ કારણોસર તેઓ પણ ખસી ગયા છે, તેવા આક્ષેપો સ્થાનિકોમાં ઉઠ્યા છે.

ભીલાડ રેલવે ફાટક પર ઓવરબ્રિજની બનાવવાની માંગ

વાહનોના પ્રદૂષણના કારણે ગંભીર બીમારીઓના ભરડામાં ધકેલાઈ રહ્યા છે લોકો

ભિલાડમાથી સરીગામ-ઉમરગામ GIDC તરફ જવા માટે રેલવે ગરનાળા પાસે, રેલવે ફાટક ખાતે ઉદ્દભવતી ટ્રાફિક સમસ્યા રોજીંદી સમસ્યા હોવાથી લોકો વાહનોના પ્રદૂષણના કારણે ગંભીર બીમારીઓના ભરડામાં ધકેલાઈ રહ્યા છે. જો રેલવે ફાટક પર બ્રિજ નહીં બને તો આગામી દિવસોમાં ટ્રાફિક સમસ્યા વિકરાળ સ્વરૂપ ધારણ કરશે અને અનેક જિંદગી હોમાતી રહેશે.

ABOUT THE AUTHOR

...view details