વલસાડ: ધરમપુર નજીક આવેલ ખારવેલ ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ રાજેશભાઇ વજીરભાઈ પટેલે મામલતદાર સમક્ષ રજૂઆત કરી છે કે, તેમના ગામમાં દીપ્તિ ફળિયામાં સાગર ઇન્ડસ્ટ્રીઝ નામની કંપની આવેલી છે. જેમાં 17-8-2020ના રોજ અંડરગ્રાઉન્ડ ટાંકા કંપનીની બેદરકારીને કારણે એકાએક ઉપર આવી જતા ટાંકામાં ભરેલું કેમિકલ બહાર વહેવાથી ખેતરોમાં ઉભા પાકને નુકશાન પહોચ્યું હતું.
ધરમપુરના ખેતરોમાં વરસાદી પાણી સાથે કેમિકલ યુક્ત પાણી ઘૂસ્યું, પાકને નુકશાન થતા ખેડૂતોને ભારે હાલાકી - ધરમપુર સાગર ઇન્ડસ્ટ્રીઝ
ધરમપુરમાં આવેલા ખારવેલ ગામે પૂર્વ સરપંચ દ્વારા મામલતદાર સમક્ષ લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે કે, ગામના દીપ્તિ ફળીયામાં આવેલ સાગર ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીના અંડરગ્રાઉન્ડ મુકવામાં આવેલ ભૂગર્ભ ટાંકામાંથી કેમિકલ બહાર આવી જતા આ કેમિકલ ખેતરોમાં ફેલાતા ખેડૂતોના તુવેર અને ડાંગરના પાકને નુકશાન થયું છે. તેમજ લોકોના હેન્ડ પમ્પમાં પણ પીવાલાયક પાણી રહ્યું નથી. જેના કારણે લોકોને પીવાનું પાણી પણ વેચાતું લાવી પીવાની ફરજ પડી છે.
એટલું જ નહીં અગાઉ પણ અનેકવાર કંપનીની બેદરકારીને કારણે ટેન્કરો ખાલી કરતી વેળાએ આસપાસના વિસ્તારોમાં આંખોમાં બળતરા થવી, શ્વાસમાં તકલીફ થવી, જેવી ઘટના બને છે. આ સાથે ત્યાંંની મહિલાઓએ જણાવ્યું હતું કે, અહીંના સ્થાનિક કક્ષાના હેન્ડપમ્પના ભૂગર્ભ જળ પણ લોકોના ઉપયોગમાં લેવા લાયક રહ્યાં નથી. ઘર વપરાશમાં પણ હેન્ડ પમ્પના પાણીનો ઉપયોગ કરી શકતા નથી.
મહત્વનું છે કે, છેલ્લાં કેટલાંક સમયથી પૂર્વ સરપંચ દ્વારા અનેક જગ્યાઓ ઉપર લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી છે, પરંતુ સરકારી અધિકારીઓ આ અંગે કોઇ કાર્યવાહી કરતા નથી. જેના કારણે અહીંના સ્થાનિકોને મુશ્કેલીમાં મુકાવાનો વારો આવ્યો છે. વારંવાર અહીં જી પી સી બીના અધિકારીઓ આવી સેમ્પલો લઇ જાય છે. જે બાદ કોઈ કાર્યવાહી થતી નથી, ત્યારે સ્થાનિકોમાં અધિકારીઓ સામે પણ રોષની લાગણી જોવા મળી હતી.