દાદરથી બિકાનેર જતી ટ્રેનમાં આવેલા રિઝર્વેશન કોચમાં વાપીથી મહિલાઓ અને પુરુષો કેટલાક બોક્સ અને થેલી લઈને ચડ્યા હતાં. જેમાં દારૂ હોવાનું મુસાફરોને જણાતા તેમણે આ મહિલા અને પુરૂષોને આગળના સ્ટેશને ઊતરી જવા માટે જણાવ્યું હતું. આ બાબતને લઈને દારૂની ખેપ કરનારા અને મુસાફરો વચ્ચે બોલાચાલી થઇ હતી. દારૂ લઇ જનારા કેટલાક પુરુષોએ મુસાફરોને ચાકુ અને દારૂની તૂટેલી બોટલો બતાવી ધમકી આપવાનો પ્રયાસ કર્યો હતો.
મુંબઈના દાદરથી રાજસ્થાનના બિકાનેર જતી ટ્રેનમાં હોબાળો - મુંબઈના દાદરથી રાજસ્થાનના બિકાનેર જતી ટ્રેનમાં હોબાળો
વલસાડ: મુંબઈના દાદરથી ઉપડીને રાજસ્થાન બિકાનેર સુધી જતી દાદર- બિકાનેર ટ્રેનમાં મુસાફરો અને દારૂના ખેપિયાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. મુસાફરોને તીક્ષ્ણ હથિયાર અને દારૂની તોડેલી બોટલો બતાવી ધમકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. એકત્ર થઇ ગયેલા મુસાફરોએ ચેન પુલિંગ કરી વલસાડ રેલવે સ્ટેશને ટ્રેન અટકાવી દઇ આરપીએફ બોલાવી હોબાળો મચાવ્યો હતો.

ચાલુ ટ્રેનમાં થયેલી આ ધમાલ બાદ કેટલાક મુસાફરોએ અગમચેતી વાપરીને વલસાડ રેલવે સ્ટેશન નજીક આવતાની સાથે ચેન પુલિંગ કરતાં વલસાડ રેલવે સ્ટેશને આ ટ્રેનનું સ્ટોપેજ ન હોવા છતાં પણ ટ્રેન ઉભી રાખવાની ફરજ પડી હતી. આ તમામ મુસાફરો એકત્ર થઇને કેટલાક દારૂના ખેપિયાઓ અને મહિલા હેરાફેરી કરનારને પકડી રાખી આરપીએફને બોલાવી હતી. પરંતુ, 20 મિનિટ સુધી આરપીએફનું કોઈ પણ જવાન પહોંચ્યું ન હતું. જેના કારણે દારૂ લઇ જનારા કેટલાક પુરુષ ખેપિયાઓ ત્યાંથી ફરાર થઈ જવામાં સફળ રહ્યા હતાં, ત્યારે આરપીએફ સ્થળ ઉપર પહોંચી ત્યારે લોકોએ પોતાનો રોષ ઠાલવ્યો હતો.
આખરે માત્ર એક મહિલા બુટલેગરની ધરપકડ કરવામાં આવી હતી. નોંધનીય છે કે એક્સપ્રેસ ટ્રેનમાં પણ રિઝર્વેશન કોચમાં દારૂની હેરાફેરી હવે સામાન્ય બની ગઈ છે. જે પ્રથમ દ્રષ્ટિએ એ જ દર્શાવે છે કે બિંદાસ પણે દારૂની હેરાફેરી કરનારાઓ ક્યાંક પોલીસ સાથે મિલીભગત તો નથી ને? પોલીસની આવી કામગીરીને લઇને અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.