વાપીઃ અમદાવાદ ક્રાઇમબ્રાન્ચે આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, 17 જુલાઈએ પોલીસ ઇન્સ્પેક્ટર એ. વાય. બલોચ અને PSI કે. એમ. બેરિયા કચેરીમાં હાજર હતા, ત્યારે બાતમી મળી હતી કે આરીફ શેખ નામના ઇસમે વાપીમાં એક વેપારીનું અપહરણ કરી કરોડો રૂપિયાની ખંડણી વસૂલવાનો પ્લાન બનાવ્યો છે. જે પ્લાન મુજબ આરીફ અને તેના સાગરીતો બે કારમાં વાપી આવવા નીકળ્યા હતાં અને પોલીસે રસ્તામાં જ તેમને દબોચી લીધા હતા.
પોલીસે આ રેડમાં કારમાં સવાર આરીફ શાબીરભાઇ શેખ, મહમંદ જાવેદ સલીમ બાંધણીવાળા, રાજેશ ઉર્ફે રાજુ મહશેભાઇ દરબારભાઇ રાઠોડ, વિક્કી જશુભાઈ જાડેજા, મહમંદ ફૈઝાન ઉર્ફે મૌલાના મહમંદહનીફ મેમણ તમામ મૂળ અમદાવાદના રહીશોની ધરપકડ કરી હતી.
પોલીસે આ 5 આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી મળી આવેલી દેશી હાથ બનાવટની 50 હજારની પિસ્તોલ, 500 રૂપિયાના 5 નંગ જીવતા કારતૂસ, 500 રૂપિયાના છરા, 55,500 રૂપિયાના 6 મોબાઈલ, 12 હજાર રૂપિયા રોકડા, 60 હજારની એસેન્ટ કાર, 1.50 લાખની બીજી કાર મળી કુલ 3,28,500 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
પોલીસની આકરી પૂછપરછમાં આરોપીઓએ ચોંકાવનારી વિગતો આપી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, વાપીમાં જે વેપારીનું અપહરણ કરી ખંડણી પેટે કરોડો રૂપિયા વસૂલવાના હતા, તે વેપારીને ત્યાં નોકરી કરતા મહંમદ અલતાફ અજીજભાઈ મન્સૂરીએ આ ટીપ આપી હતી અને જણાવ્યું હતું કે, તે વાપીમાં જેની પાસે નોકરી કરે છે તે સઈદ શેખ નામના વેપારી પાસે 50 કરોડ રૂપિયા રોકડા પડેલા છે. સઈદ શેખ વાપીમાં કન્સ્ટ્રકશન, વે-બ્રિજ અને ભંગારના ગોડાઉન ધરાવતો હોવાથી તેની ઓફિસમાં મોટી રોકડ રકમ પડેલી હોય છે. આ વિગતો મેળવી તેનું અપહરણ કરવાનો પ્લાન બનાવવામાં આવ્યો હતો.
આ પ્લાનને પાર પાડવા માટે આરોપીઓએ મુંબઈની ટ્રીપ લગાવી હતી અને ત્યારબાદ રિટર્ન વાપીની આનંદ ઇન હોટેલમાં રોકાણ કરવાનું નક્કી કર્યું હતું. આ ઉપરાંત વાપીના સહઆરોપી મહંમદ અલતાફ અજીજભાઈ મન્સૂરી સાથે અપહરણ અને ખંડણી અંગે ચર્ચાઓ કરી વેપારીના ઘરની તેમજ તેમની કન્સ્ટ્રકશન સાઇટ, વે બ્રીઝની ઓફિસની રેકી કરી મિશન પાર પાડવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ સમગ્ર પ્લાન પાર પડે તે પહેલાં લોકડાઉન લાગુ પડી જતા પ્લાન મુલતવી રાખ્યો હતો. જેને ફરી 17મી જુલાઈએ અંજામ આપવા નિકળ્યા હતા. જેમાં વેપારીનું અપહરણ કરી તેને અમદાવાદ મુંબઈ હાઇવે પર મનોર નજીક એક ફાર્મ હાઉસમાં ગોંધી રાખવાની સગવડ પણ કરી રાખી હતી. જો કે, પ્લાન સફળ થાય તે પહેલાં જ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની હાથે આ આરોપીઓ ઝડપાઇ ગયા હતા અને પ્લાન નિષ્ફળ ગયો હતો.
ખંડણી માટે ઘડાયેલો પ્લાન નિષ્ફળ હાલ અમદાવાદ ક્રાઇમબ્રાન્ચે અમદાવાદના પાંચેય રીઢા આરોપીની ધરપકડ કરી તેમની વિરુદ્ધ કલમ 399, 402,120 (બી), આર્મ્સ એક્ટ કલમ 25(1-બી)એ તથા જી.પી.એક્ટ કલમ 135 મુજબનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. જ્યારે ટીપ આપનાર મૂળ વાપીના મહંમદ અલતાફ અજીજભાઈ મન્સૂરી અંગે વધુ વિગતો આપવાનું ટાળ્યું હતું.
જો કે, આ તમામ આરોપીઓના ભૂતકાળ અંગે પોલીસે વિગતો આપી હતી કે, પકડાયેલા આરોપીઓ પૈકી આરીફ શેખ અગાઉ ટીફીન સેવાનો વેપાર કરતો હતો, તેમજ ડ્રાઈવિંગ, સિક્યુરિટી બાઉન્સરનું કામ કરતો હતો. તેમણે અગાઉ ભુજના એક વ્યક્તિ સાથે મળી 3થી 4 સોપારી ભરેલા ટ્રકો તથા 1 કાજુ ભરેલો આયસર ટેમ્પો ગુજરાતમાં લાવી બારોબાર વેચાણ કરાવી દિધું હતું. આ ઉપરાંત જૂનાગઢના એક ઇસમને મધ્યપ્રદેશથી ગેરકાયદેસર હથિયાર આપવામાં આવ્યા હતા અને એ જ રીતે અન્ય આરોપીઓ પણ દારૂ સહિતના ગુનામાં પકડાયેલા છે.