- નારગોલમાં પારસી મહિલાની અંતિમ ઈચ્છા પૂરી કરાઈ
- પારસી રિતરીવાજને બદલે હિન્દૂ વિધિ મુજબ કરાયા અગ્નિસંસ્કાર
- ધર્મ-જાતિ ભેદભાવનો આપ્યો અનોખો સંદેશ
વલસાડઃ ઉમરગામ તાલુકાના નારગોલ ગામે 1942થી ચાલતી નારગોલ કેળવણી મંડળ સંસ્થા અને ભક્ત શ્રી જલારામ હાઈસ્કુલના ટ્રસ્ટી દિનાબેન માણેકજી હવેવાલાનું 85 વર્ષની વયે નિધન થયું છે. સદગત દિનાબેને મૃત્યું પહેલા પરિવારના સદસ્યોને જણાવ્યુ હતું કે, તેમના મૃત્ય બાદ પારસી રીત રિવાજ મુજબ અંતિમ ક્રિયા કરવાના બદલે હિન્દુ સ્મશાન ભૂમિ ખાતે અગ્નિદાહ આપવામાં આવે જે ઈચ્છા મુજબ સ્વ. દિનાબેનની અંતિમ યાત્રા મોક્ષરથમાં કાઢી સોળસુંબા સ્મશાન ભૂમિ ખાતે અગ્નિદાહ આપવામાં આવ્યો હતો.
દિનાબેનના પિતાએ વર્ષ 1942માં તમામ જાતિ ધર્મના લોકો ભણે તે માટે સ્કૂલ શરૂ કરી હતી
દિનાબેનના પિતા માણેકજી હવેવાલાએ વર્ષ 1942માં પોતાનું ઘર સંસ્થાને સોપી તમામ જાતિ ધર્મના લોકો ભણે તે માટે સ્કૂલ શરૂ કરી હતી. સ્વ. માણેકજી હવેવાલાનું દેહાંત થયા બાદ તેમના પરિવારે પોતાનું જીવન શેક્ષણિક સેવામાં સમર્પિત કરી દરેક જાતિ, ધર્મ, ગરીબ, અમિર લોકોના બાળકોને શિક્ષણ આપવાનું ઉદ્દેશ્ય શરૂ રાખ્યું હતું.
સંસ્થા સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ ગામલોકોમાં શોકનું મોજું
આ સંસ્થા દ્વારા ગુજરાતી, અંગ્રેજી શાળા તેમજ ગરીબ દીકરીઓ માટે કન્યા છાત્રાલય, કુમારો માટે કુમાર છાત્રાલય ચલાવવામાં આવે છે. જેના હાલના ટ્રસ્ટી દિનાબેન માણેકજી હવેવાલાનું 85 વર્ષની વયે બુધવારના રોજ સવારે 10 કલાકે નિધન થતાં નારગોલ તેમજ આજુ બાજુના ગામોના લોકો, શિક્ષણિક સ્ટાફ, વિદ્યાર્થીઓમાં ભારે શોકની લાગણી પ્રસરી હતી.