કોરોનાનો ભય, લોકડાઉન અને કાળઝાળ ગરમીથી થઈ શકો છો ડિપ્રશનનો શિકાર - ગરમીમાં લેવાતી કાળજી
શિયાળો, ઉનાળો અને ચોમાસાની ઋતુ માનવ મન પર ઘેરી અસર કરે છે. જેમાં ક્યારેક ઋતુઓનો બદલાવ માનવીને હતાશામાં ધકેલી દે છે. આ વખતે કોરોના મહામારીનો ભય, લોકડાઉન અને કાળઝાળ ગરમી માનવ મન પર વિપરીત અસર કરી ઘેરી હતાશાના દર્દીઓ બનાવી શકે છે. ત્યારે, આ દિવસોમાં શું કાળજી રાખવી જોઈએ તે અંગે વાપીના જાણીતા મનોચિકિત્સક જીત નાદપરાએ આપી માહિતી...
![કોરોનાનો ભય, લોકડાઉન અને કાળઝાળ ગરમીથી થઈ શકો છો ડિપ્રશનનો શિકાર Corona Fear, Lockdown and Heat Can Cause Depression](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6829199-274-6829199-1587120382614.jpg)
વાપીઃ હાલમાં સમગ્ર વિશ્વને કોરોના વાઈરસની મહામારીએ ઝપેટમાં લીધું છે. ભારતમાં પણ આ મહારોગથી લોકોને બચાવવા લોકડાઉન જાહેર કર્યું છે. ત્યારે એક તરફ લોકડાઉનને કારણે લોકોએ ઘરમાં રહેવું અને બીજી તરફ આકરા તાપની ગરમી સહન કરવી, જેનાથી માનસિક હતાશાના રોગીઓમાં વધારો જોવા મળી રહ્યો છે. આ અંગે વાપીના જાણીતા મનોચિકિત્સક જીત નાદપરાએ ઈટીવી ભારત સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, કોરોના મહામારીથી લોકડાઉનમાં લોકોએ ઘરમાં રહેવું પડે છે. જેને કારણે તેમનું મનોબળ તૂટી રહ્યું છે અને ડિપ્રેશનના દર્દીઓમાં વધારો જોવા મળી રહ્યો છે.
સામાન્ય રીતે ઉનાળામાં માનસિક બીમારીનું પ્રમાણ વધતું હોય છે. જેમાં આ વખતે કોરોનાની મહામારીના ભયને કારણે દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. આ દિવસો બ્રિફ સાયકોટિક એપિસોડ છે. જે લોકો ઘરમાં રહી નથી શકતા અથવા તો જે લોકો ઈન્ટરનેટનો વધુ ઉપયોગ કરે છે, જે લોકોને દારૂ-ધુમ્રપાન સહિતના વ્યસનો છે. તેવા લોકોમાં ડિપ્રેશનનું પ્રમાણ વધે છે. જેને કારણે દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જેને મેડીકલ સાયન્સની ભાષામાં બાય પોલર મૂડ ડિસઓર્ડર કહેવામાં આવે છે.
જે રીતે સ્કિઝોફ્રેનિયાના દર્દીઓની સંખ્યા ઠંડીમાં વધતી હોય છે. તે જ રીતે ગરમીમાં ડિપ્રેશન અને મેનીક એપિસોડના કેસ વધે છે. જેથી આ સમયગાળા દરમિયાન લોકોએ સચેત રહેવું જોઈએ.
લોકડાઉનના દિવસોમાં લોકોએ દિવસનું ખાસ શીડ્યુલ બનાવવું જોઈએ. પૌષ્ટિક અને હળવો ખોરાક લેવો જોઈએ. હળવી કસરત અને યોગ કરવા જોઈએ. દર થોડી થોડી વારે હાથ મોઢાને ધોવા જોઈએ અને ભીડમાં જવાનું ટાળવું જોઈએ. આ દિવસોમાં જે લોકો આ રોગનો ભોગ બને છે તેવા લોકો મુખ્યત્વે ઉંચા સપના જોવા માંડે છે. સતત બોલબોલ કરે છે અને ઘરના સભ્યો સાથે વાત વાત માં ગુસ્સે થઈ જાય છે.
શાંતમન ન્યુરોસાઈકિયાટ્રીસ્ટ કેર વાપીના મનોરોગ ચિકિત્સક જીત નાદપરાએ વધુમાં જણાવ્યું હતું કે, માર્ચ-એપ્રિલમાં 100 વ્યક્તિએ 20 વ્યક્તિઓને બાય પોલર મૂડ ડિસઓર્ડર જોવા મળે છે. જે સંખ્યા હાલના કોરોનાનો ભય અને લોકડાઉનના દિવસો દરમિયાન 100 લોકોએ 40 થી 42 થઈ ગઈ છે. ગરમીના કારણે મગજમાં રાસાયણિક ફેરફાર થાય છે. સીઝનલ ફેરફાર તેમાં મુખ્ય કારણ છે. આ રોગ દરેક ઉંમરના વ્યક્તિને થઈ શકે છે. એ જ રીતે આ રોગ ગરીબ-તવંગર ને પણ થઈ શકે છે. હાલના દિવસોમાં કેટલાક લોકોએ સતત પોતાના ઘરમાં રહેવું પડી રહ્યું છે જેને કારણે તેમને માનસિક હતાશા ઘેરી રહી છે. તો કેટલાક લોકોએ કામ ધંધો બંધ હોવાના કારણે પણ આ રોગનો ભોગ બનવું પડી રહ્યું છે.
કોરોના મહામારી દરમિયાન જે લોકોને ઘરમાં કે હોસ્પિટલમાં ક્વોરોન્ટાઇન કરવા પડી રહ્યા છે. તેવા લોકોમાં આ પ્રમાણ વધુ જોવા મળે છે. પરંતુ આવા લોકોને પરિવારજનોની હુંફ માનસિક રોગી બનાવતા બચાવી પણ શકે છે. માટે ઉનાળાની કાળઝાળ ગરમી અને કોરોના મહામારીના દિવસોમાં પરિવારના સભ્યોને પ્રેમ અને હૂંફ આપીને ડિપ્રેશનનો ભોગ બનાવતા અટકાવવા ખૂબ જ જરૂરી છે.