- વિધાનસભાની પેટા ચૂંટણી માટે જામ્યો જંગ
- બંને પક્ષોની એકબીજા પર આક્ષેપબાજી
- દાહોદના ધારાસભ્યના જીતુ ચૌધરી પર આક્ષેપો
- કોંગ્રેસની જાહેરસભામાં ચન્દ્રિકા બારિયાનું વિવાદિત નિવેદન
વલસાડઃ ગુજરાતમાં વિધાનસભાની પેટા ચૂંટણી માટે બંને પક્ષોએ જીત માટે કમરકસી છે. ત્યારે 181 કપરાડા વિધાનસભાની પેટા ચૂંટણી માટે બંન્ને પક્ષો દ્વારા ચૂંટણી પ્રચાર જોરશોરથી કરવામાં આવી રહ્યો છે. બંને પાર્ટીઓ દ્વારા સ્ટાર પ્રચારકોને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. બુધવારે કપરાડા તાલુકાના સુથારપાડા ખાતે કોંગ્રેસની સભા યોજાઈ હતી. આ સભામાં ઉપસ્થિત રહેલા દાહોદના મહિલા ધારાસભ્યએ જાહેરમાં મંચ ઉપરથી જીતુભાઈ ઉપર વિવાદિત આક્ષેપો કર્યા હતા. આક્ષેપ કર્તા કહ્યુ છે કે, જીતુભાઈ વાપી, ગાંધીનગર, મહારાષ્ટ્ર જ નહીં પરંતુ વિદેશમાં પણ મિલકત ધરાવે છે અને તેમણે માત્ર સ્વવિકાસ કર્યો છે. આ વિવાદિત નિવેદનથી ભારે ચકચાર મચી છે.
ધારાસભ્ય ચન્દ્રિકા બારીયાના જીતુ ચૌધરી પર આક્ષેપ
કપરાડા તાલુકાના સુથારપાડા ખાતે બુધવારે વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પેટા ચૂંટણીને લઈને પ્રચાર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્ટાર પ્રચારક હાર્દિક પટેલની સભામાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં દાહોદના મહિલા ધારાસભ્ય ચન્દ્રિકા બેન બારીયાએ જાહેર મંચ ઉપરથી ધારાસભ્ય જીતુ ચૌધરી સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે કહ્યું કે, જીતુ ચૌધરીએ માત્ર સ્વ-વિકાસ કર્યો છે. તેઓની ઓસ્ટ્રેલિયામાં 100 એકર જમીન છે, મહારાષ્ટ્રમાં 300 એકર જમીન છે. 200 એકર જમીન વાપીમાં છે, તેમજ 6 એકર જમીન ગાંધીનગરમાં ધરાવે છે. આ પછી એમને ગામના વિકાસમાં રસ ક્યાંથી હોય?