ગુજરાત

gujarat

ETV Bharat / state

વાપીમાં HP સિલિન્ડરમાં ઓછો ગેસ નીકળતા ગ્રાહકોએ પુરવઠા વિભાગમાં ફરિયાદ કરી - vapi cook well gas agency

વાપી નજીક આવેલા છીરી ગામના રામનગર વિસ્તારમાં 4 જેટલા ગેસ સિલિન્ડરમાં ઓછું વજન નીકળતા ગ્રાહકો રોષે ભરાયા હતાં. મોંઘવારીના સમયમાં ગેસ એજન્સીઓ ગરીબોને ઓછો ગેસ આપતા હોવાના આક્ષેપો કર્યા હતાં. ગ્રાહકોએ સમગ્ર મામલે જિલ્લા પુરવઠા વિભાગમાં ફરિયાદ પણ કરી હતી.

વાપી
વાપી

By

Published : Apr 8, 2021, 4:13 PM IST

  • કુકવેલ ગેસ એજન્સીના સિલિન્ડરમાં ઓછો ગેસ નીકળ્યો
  • ગ્રાહકોએ 4 સિલિન્ડરનું વજન ચેક કરતા ઓછા ગેસની જાણ થઈ
  • ગ્રાહકો દ્વારા પુરવઠા વિભાગને ફરિયાદ કરવામાં આવી

વાપી : છીરી રામનગર વિસ્તારમાં HP ગેસ ડિલિવરી કરતા કુકવેલ ગેસ એજન્સીના 4 જેટલા સિલિન્ડરમાં 1થી 3 કિલો જેટલો ગેસ ઓછો નીકળતા સ્થાનિકોએ જિલ્લા પુરવઠા વિભાગમાં ફરિયાદ કરી હતી. સમગ્ર મામલે પુરવઠા વિભાગે તપાસ હાથ ધરી હતી. જ્યારે કુકવેલ ગેસ એજન્સી તરફથી સિલપેક સિલિન્ડરમાં 25થી 30 ગ્રામ વજન ઓછું નીકળતું હોવાનું જણાવી ગ્રાહકોને જાગૃત રહેવાની સુફયાણી સલાહ આપી હતી.

વાપીના ગ્રાહકોમાં રોષ ભભૂક્યો

એક કિલો પણ ઓછો ચાલતો હતો સિલિન્ડર

છીરી રામનગર વિસ્તારમાં HP ગેસ સપ્લાય કરતા કુકવેલ ગેસ એજન્સી દ્વારા ગ્રાહકોએ બુક કરેલા સિલિન્ડરની ડિલિવરી માટે ટેમ્પો મોકલ્યો હતો. જે ટેમ્પામાં રહેલા સિલિન્ડરમાંથી 4 સિલિન્ડરનું વજન ચેક કરતા 1 કિલોથી વધુ વજન ઓછું નીકળ્યું હતું. જેને લઈને ગ્રાહકોમાં રોષ ભભૂક્યો હતો. ગેસ સિલિન્ડર બુક કર્યા બાદ તે એક મહિનો પણ માંડ ચાલતો હતો. જે અંગે આજે ખબર પડી કે સિલિન્ડરમાં ગેસ ઓછો આવતો હતો.

આ પણ વાંચો:દિલ્હીની જનતાને ઝટકો, LPG ગેસ સિલિન્ડરમાં 50 રૂપિયાનો વધારો

એજન્સીની મહિલાએ લાલચ આપી હોવાના આક્ષેપ

ડિલિવરી સમયે આવેલા ટેમ્પોમાંથી 4 સિલિન્ડરનું વજન ચેક કરતા 1કિલોથી 3 કિલો જેટલો ગેસ ઓછો નીકળ્યો હતો. જે અંગે જ્યારે એજન્સીને જાણ કરી તો એજન્સીની મહિલાએ લોભ લાલચ આપી હોવાના આક્ષેપ કરતા ગ્રાહકોએ જણાવ્યું હતું કે, પ્રજાના હિત માટે આવી એજન્સી સામે કાયદાકીય પગલાં લેવા જોઈએ. ગ્રાહકોએ આ માટે પુરવઠા વિભાગમાં ફરિયાદ કરી હતી.

ગ્રાહકોએ સિલિન્ડર ચેક કરી લેવા જોઈએ

જ્યારે કુકવેલ ગેસ એજન્સીના કસ્ટમર કેર મેનેજર તન્વીર કાદરીએ આ અંગે જણાવ્યું હતું કે સરેરાશ બોટલમાં પૂરતું વજન હોય છે. જેમાં 25થી 30 ગ્રામ જેવો નજીવો ફરક હોય છે. ડિલિવરી બોય જ્યારે પણ ગેસ સિલિન્ડર આપવા આવે ત્યારે ગ્રાહકોએ તેનું વજન ચેક કરી સિલિન્ડરનું સિલ ચેક કરવું, કોઈ લીકેજ છે કે કેમ તે અંગે ચેક કરીને પછી જ પૈસા આપવા જોઈએ અને એ માટે પણ છુટા પૈસા રાખવા જોઈએ જો છુટા પૈસા ન હોય તો ડીજીટલ પેમેન્ટ કરવું જોઈએ તેવી સલાહ આપી હતી, જેમાં લોકો કો-ઓપરેટ નહિ કરતા હોવાના પ્રતિઆક્ષેપો કર્યા હતાં.

આ પણ વાંચો:આનંદોઃ ઉજ્જવલા યોજનાના હેઠળ હવે સપ્ટેમ્બર સુધી મફત 3 ગેસ સિલિન્ડર મળશે

ગ્રાહકોને પૂરતા વજનના સિલિન્ડર અપાવી ગેસ એજન્સીના ગોડાઉનમાં તપાસ કરી

ગેસ સિલિન્ડરમાં ઓછું વજન નીકળતા સમગ્ર મામલે ગ્રાહકોએ જિલ્લા પુરવઠા વિભાગમાં ફરિયાદ કરી હતી. જિલ્લા પુરવઠા વિભાગે સ્થળ પર પહોંચી પંચોની હાજરીમાં વજન ચેક કરતા 4 બોટલમાં એક કિલો આસપાસ વજન ઓછું જણાયું હતું. જેથી ગ્રાહકોને પૂરતા વજનના સિલિન્ડર અપાવી ગેસ એજન્સીના ગોડાઉનમાં તપાસ કરી હતી. તેમજ સમગ્ર મામલે વડી કચેરીએ રિપોર્ટ સુપ્રત કર્યો હતો. ગ્રાહકોને આગામી દિવસોમાં પણ જો વજન ઓછું જણાય અથવા સિલ ખૂલેલું હોય તો સિલિન્ડર સ્વીકારવાને બદલે એજન્સીને અને પુરવઠા વિભાગને જાણ કરવા તાકીદ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details