કોંગ્રેસ મહારાષ્ટ્રમાં સ્થિર સરકાર નથી ઈચ્છતી, સંકટ પેદા કરી રહી છે: ડૉ. સતીષ પુનિયા - maharashtra politics news
વાપી: રાજસ્થાન ભાજપના પ્રદેશ અધ્યક્ષ ડૉ. સતીષ પુનિયા રવિવારે વાપીની મુલાકાતે પધાર્યા હતા. રાજસ્થાની સમાજે પુનિયાનું ભવ્ય સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ડૉ. સતીશ પુનિયાએ ગુજરાત-રાજસ્થાન દેશના નકશામાં ભાઈ હોવાનું જણાવ્યું હતું. મહારાષ્ટ્રમાં જે રીતે ભાજપે ગઠબંધન કરી ફડણવીસને મુખ્યપ્રધાન બનાવ્યા છે. તેમાં કોંગ્રેસ રોડા નાંખતી હોવાનું અને તે દેશમાં સ્થિર સરકાર રહે તેવું ઇચ્છતી ન હોવાનું જણાવી આ સંકટમાંથી ભાજપ સમાધાન કાઢશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
રાજસ્થાન ભાજપના પ્રદેશ અધ્યક્ષની જવાબદારી સંભાળનારા ડૉ. સતીષ પુનિયા રવિવારે વાપીની મુલાકાતે આવ્યાં હતાં. વાપીમાં સતીષ પુનિયાએ હાલમાં મહારાષ્ટ્રમાં ચાલતા રાજકારણ અંગે કોંગ્રેસ પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે, દેશમાં મોદી સરકાર આવ્યા બાદ જાતિવાદ, ભ્રષ્ટાચાર નાથવામાં આવ્યા છે. દેશમાં રાષ્ટ્રવાદને સર્વોપરી બનાવવામાં મોદી સરકારનું ખૂબ જ મોટું યોગદાન છે. ભાજપ સ્વ. વડાપ્રધાન વાજપેયીજીના વખતથી ગઠબંધનમાં માનતી પાર્ટી છે. આ વખતે પણ મોદી સરકારમાં 303 સીટોની બહુમત હોવા છતાં અન્ય 50 સાથી સાંસદોને સામેલ કરી 553 સીટની સરકાર બનાવી છે. મહારાષ્ટ્રમાં પણ શિવસેનાને આમંત્રણ આપ્યું હતું, પરંતુ તે વિફળ રહ્યું. મહારાષ્ટ્રના રાજ્યપાલે ભાજપને સરકાર બનાવવા આમંત્રણ આપ્યું અને દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી બનાવ્યાં છે. પરંતુ દેશમાં સ્થિર સરકાર રહે તેવું કોંગ્રેસ ઇચ્છતી નથી. એટલે આ મામલે પણ તે સંકટ ઉભું કરી રહી છે. તેમ છતાં આ સંકટમાંથી પણ સમાધાન નીકળશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.