વર્તમાન સમયમાં ફળો અને શાકભાજીમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ મોટા પ્રમાણમાં થાય છે. જેના કારણે રોગના ઉપદ્રવમાં વધારો થયો છે. રાસાયણિક ખાતરનો ઉપયોગ થવાથી મનુષ્ય અનેક બીમારીથી પીડિત બનતો થયો છે. જેથી હવે સરકારે પણ ઓર્ગેનિક ખેતીને વધુ પ્રોત્સાહિત કરવાનો અભિગમ રાખ્યો છે. જેના અંતર્ગત વલસાડ જિલ્લા પંચાયત ખેતીવાડી શાખા સાથે સંકળાયેલા આત્મા પ્રોજેક્ટના અધિકારીએ બુધવારે ડુમલાવ ગામે ખેડૂતોને ઓર્ગેનિક ખેતીથી થતા ફાયદા અને રોગ રહિત ખેતી અંગેની વિસ્તૃત માહિતી આપી હતી.
વલસાડના ડુમલાવ ગામે પ્રાકૃતિક અને ઓર્ગેનિક ખેતી અંગેની ગોષ્ઠી યોજાઈ - આત્મા પ્રોજેક્ટ
વલસાડ: જિલ્લાના ડુમલાવ ગામમાં બુધવારે ગુજરાત સરકારના આત્મા પ્રોજેક્ટ અંતર્ગત ખેડૂત ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખેડૂતોને ઓર્ગેનિક ફાર્મિંગ અને પ્રાકૃતિક ખેતી અંગે માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત શાકભાજી અને ફાળોની ખેતીમાં ગૌમૂત્ર, છાણ તથા વિવિધ ઘર વપરાશની ચીજ-વસ્તુઓનો ઉપયોગ કરી પ્રાકૃતિક દવા બનાવવા અંગેનું પ્રેક્ટીકલ પણ દર્શાવવામાં આવ્યું હતું.
પ્રાકૃતિક અને ઓર્ગેનિક ખેતી અંગેની ગોષ્ઠી યોજાઈ
ગોષ્ઠીમાં પશુપાલનની ઓર્ગેનિક ખેતીમાં ઉપયોગીતા અને ગૌમૂત્ર, છાણ, ઘરની ચીજ-વસ્તુઓ, ગોળ, બેસન વગેરેનો ઉપયોગ કરી એક વિશેષ મિશ્રણ તૈયાર કરવા અંગે ઉપસ્થિત ખેડૂતોને સમજાવવામાં આવ્યા હતા.
સ્થાનિક ખેડૂતોએ આ અંગે જણાવ્યું હતું કે, ઓર્ગેનિક અને પ્રાકૃતિક ખેતી અંગે તેમણે પ્રથમ વખત માહિતી મેળવી છે અને આગામી દિવસમાં તેઓ શાકભાજી તેમજ ફળોની ખેતી ઓર્ગેનિક રીતે કરવા માટે તૈયારી કરશે.