વાપીના બીલખિયા ક્રિકેટ ગ્રાઉન્ડ પર રવિવારે વલસાડ જિલ્લાના મહેસૂલી અધિકારીઓ અને કર્મચારીઓ વચ્ચે રેવન્યુ પ્રીમિયર લીગનું આયોજન કરાયું હતું. જિલ્લાના 6 તાલુકાના મામલતદારની 6 ટીમ અને કલેકટર, ડેપ્યુટી કલેક્ટરની 3 ટીમ મળી કુલ 9 ટીમ વચ્ચે જંગ જામ્યો હતો. જેમાં તમામ કર્મચારી, અધિકારીઓ સાથે કલેકટરે પણ બેટિંગ અને બોલીગનું કૌશલ્ય બતાવ્યું હતું.
આ ક્રિકેટ જંગમાં કલેકટર અને ઉમરગામ મામલતદારની ટીમ વચ્ચે ફાઇનલ મેચ રમાઈ હતી. જેમાં કલેકટરની ટીમ વિજેતા બની હતી. ઉમરગામની ટીમે જીત માટે 77 રન નો લક્ષ્યાંક આપ્યો હતો. જેમાં નીરવ પરમારે 9 સિક્સ સાથે ચોગ્ગા-છગ્ગાની રમઝટ બોલાવી 62 રન બનાવ્યા હતાં.
ક્રિકેટ મેચના આયોજન અંગે વલસાડ કલેકટર સી. આર. ખરસાણે જણાવ્યું હતું કે, વર્ષ દરમિયાન મહેસૂલી કામમાં વ્યસ્ત રહેનાર કર્મચારીઓ અધિકારીઓમાં ચુસ્તી-સ્ફૂર્તિ જળવાઈ રહે તે માટે આ આયોજન કરવામાં આવ્યું હતું. રવિવારે રજાના દિવસે મહેસૂલી કામથી અડગા રહી આ ઇન્ટર તાલુકા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યુ હતું. જેમાં તમામ કર્મચારીઓ ઉમંગભેર ઉત્સાહથી ક્રિકેટ મેચ રમ્યા હતાં અને એવો જ ઉત્સાહ નાગરિકોના કામમાં બતાવે તેવા અભિનંદન પાઠવ્યા હતાં.