મૂળ જામનગરના અને વર્ષોથી મુંબઇ-વાપીમાં રહી ઉદ્યોગ ક્ષેત્રે સંકળાયેલ કાંતિલાલ લખમશી હરિયાનું નામ ખૂબ જાણીતું છે. તેમની પાસે 80 દેશોના ચલણી સિક્કા, ચલણી નોટ્સનો ખુબ મોટો સંગ્રહ છે. જે અંગે ખૂબ ઓછા લોકોને ખબર છે. વાપીમાં અગ્રણી ઉદ્યોગપતિ, સેવાકીય ક્ષેત્રે દાનવીર ગણાતા કાંતિલાલ હરિયાએ 50 વર્ષમાં 84 દેશોના પ્રવાસ કર્યા છે. આ પ્રવાસ દરમિયાન તેઓએ વિવિધ દેશોનું ચલણ પણ એકઠું કર્યું છે. તેમની પાસે બ્રિટિશ કોઈન, ભારતીય રાજાશાહી વખતનો રૂપિયો, દુનિયાનું મોંઘમાં મોંઘુ કહેવાતું ઝિમ્બાબ્વે સહિતના દેશનું ચલણ છે.
વાપીના આ ઉદ્યોગપતિએ 80 દેશનું ચલણ સંગ્રહ કર્યું છે, જાણો રસપ્રદ કહાની
વાપી: 1953માં એક 8 વર્ષના બાળકને તેમના કાકાએ આફ્રિકાના 10 પૈસાનો સિક્કો આપેલો, આ બાળકે તે સિક્કાને સાચવ્યો અને 1960માં ધોરણ 10 પાસ કરી પોતે પરદેશ ગયો ત્યારે, તેમને ખબર પડી કે લોકો આ પ્રકારના વિવિધ દેશનું ચલણ સંગ્રહ કરવાનો શોખ ધરાવતા હોય છે. બસ, ત્યાર પછી થી જ આ બાળક મોટો થઈને ઉદ્યોગપતિ બન્યો અને 84 દેશમાં 50 વર્ષ સુધી બિઝનેસ માટે ફરી ત્યાંની વિવિધ ચલણી નોટ તેમજ સિક્કાનો સંગ્રહ કર્યો, જેનું મૂલ્ય આજે 50 લાખ રૂપિયા છે. તો આવો જાણીએ કોણ છે આ ઉદ્યોગપતિ...
આ ચલણમાં 25 આફ્રિકન દેશોનું ઉપરાંત અમેરિકા, યુરોપ, ફ્રાસનું ચલણ છે. તો, ભારતના 100 વર્ષ જુના અને બ્રિટિશ શાસનના સિક્કાઓનો પણ તેઓએ સંગ્રહ કર્યો છે. જેમાં મોટાભાગના સિક્કાઓ ચાંદીના છે. જેને તેઓએ ગોલ્ડ પ્લેટેડ કરી ખાસ બ્રિફકેસમાં સાચવી રાખ્યા છે. તેમની પાસે રહેલા આ મહામુલી ચલણની વેલ્યુ 50 લાખ હોવાનું તેઓએ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, હવે ઢળતી ઉંમરે કાંતિલાલ હરિયાએ આ મહામુલો ખજાનો પોતાના પુત્રને સાચવવા આપી દીધો છે. તેઓએ આ ચલણને માત્ર શોખ ખાતર જ એકઠું કર્યું છે. એટલે ક્યારેય તેની હરરાજી કરી પૈસા કમાવાની ઈચ્છા વ્યક્ત નથી કરી. હાં, ક્યારેક પોતાના ટ્રસ્ટની સ્કૂલમાં તેનું એક્ઝિબિશન ગોઠવે છે. વિદ્યાર્થીઓ પણ આ અમૂલ્ય ચલણ જોઈને અભિભૂત થાય છે.