વાપીની આર.કે.દેસાઇ કૉલેજ ખાતે જિલ્લાના યુવાનો માટે જોબફેર યોજાયો - વાપી ન્યૂઝ
વલસાડઃ જિલ્લાના વાપીની આર.કે.દેસાઇ કૉલેજ ખાતે રોજગાર કચેરી, વલસાડ, ધરમપુર, નવસારી અને આહવા-ડાંગના સંયુક્ત ઉપક્રમે જિલ્લાના યુવાનો માટે મેગા જોબફેર યોજાયો હતો. આ જોબફેર માટે 11,912 ઉમેદવારોને બોલાવવામાં આવ્યા હતા. જે પૈકી 1,982 ઉમેદવારો હાજર રહ્યા હતા. ભરતી મેળામાં ઉપસ્થિત 77 નોકરીદાતાઓ દ્વારા 716 ઉમેદવારોની રોજગારી માટે જ્યારે 230 ઉમેદવારોની એપ્રેન્ટીસશીપ માટે પ્રાથમિક પસંદગી કરવામા આવી હતી. આ જોબફેરનો શુભારંભ વન અને આદિજાતિ વિકાસ રાજ્યપ્રધાન રમણલાલ પાટકરના હસ્તે મંગલદીપ પ્રગટાવી કરાયો હતો.

આદિજાતિ વિકાસ રાજ્યપ્રધાન રમણલાલ પાટકરે દરેક રોજગાર વાંચ્છુઓને સારી જગ્યાએ નોકરી મળે તેવી શુભકામનાઓ પાઠવતાં જણાવ્યું હતું કે, રાજ્યના દરેક યુવાનોને રોજગારી મળે તેવો રાજ્ય સરકારનો અભિગમ છે. જેને અનુલક્ષીને દર બે માસે ભરતી મેળાઓ યોજવામાં આવી રહ્યા છે. જેમાં હજારો યુવાનોએ રોજગારી મેળવી છે.
પાટકરે કૌશલ્ય, હોશિયારી અને આવડત હોય તો કોઇપણ વ્યક્તિ આગળ વધી શકે છે, તેમ જણાવી કંપનીમાં કામદાર તરીકે નહીં પરંતુ પોતાની કંપની માનીને શિસ્તતા અને પ્રમાણિકતાથી કામ કરવા અનુરોધ કર્યો હતો. જીવનમાં આગળ વધવા માટે સમયપાલનની સાથે દરેક પ્રકારની આવડત હોવી જોઇએ. દરેક વ્યક્તિ નોકરી મેળવવાની જ આશા ન રાખતા પોતાના કૌશલ્યને અનુરૂપ પોતાના ગામમાં સ્વરોજગાર શરૂ કરવો જોઇએ. જેના થકી અન્યને પણ રોજગારી આપી શકાય. યુવાનોને નોકરી પૂરી પાડવામાં ગુજરાત અગ્રેસર છે. વાઇબ્રન્ટ ગુજરાતમાં કરાયેલા એમ.ઓ.યુ થકી અનેક મોટા ઉદ્યોગો આવી રહ્યા છે, ત્યારે વધુમાં વધુ યુવાનોને રોજગારીની તક મળી રહેશે.