વાપી : વલસાડ જિલ્લાના ચલા-વાપી વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. આ વાઇરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતાં લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલાંરૂપે જિલ્લા મેજિસ્ટ્રેટ સી.આર.ખરસાણે એપેડેમીક ડીસીઝ એકટ અન્વયે મળેલી સત્તાની રૂએ તાત્કાલિક અસરથી કલસ્ટર કન્ટેઇનમેન્ટ અને બફર ઝોન નક્કી કરી કેટલાક કાર્યો કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.
પોઝિટિવ કેસ નોંધાતા વાપીના ચલાનો આ વિસ્તાર કન્ટેઇનમેન્ટ અને બફર ઝોન જાહેર
વલસાડ જિલ્લાના ચલા-વાપી વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. આ વાઇરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતાં લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલાંરૂપે જિલ્લા મેજિસ્ટ્રેટ સી.આર.ખરસાણે એપેડેમીક ડીસીઝ એકટ અન્વયે મળેલી સત્તાની રૂએ તાત્કાલિક અસરથી કલસ્ટર કન્ટેઇનમેન્ટ અને બફર ઝોન નક્કી કરી કેટલાક કાર્યો કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.
ચલા-વાપી ખાતે આવેલી સત્તાધાર સોસાયટી નંબર-1ના પ્લોટ નં.22, મુક્તાનંદ રોડ ખાતે કોરોના પોઝિટિવ કેસ આવતાં તેને એપી સેન્ટર તરીકે જાહેર કરવામાં આવ્યો છે. સત્તાધાર સોસાયટી નં.1ના પ્લોટ નં.1થી 36ના કોમન પ્લોટ સાથે કન્ટેઇનમેન્ટ જાહેર કરી અવરજવર બંધ કરવામાં આવી છે. તેમજ માધવન એપાર્ટમેન્ટ પણ અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે. તથા પોઝિટિવ આવનાર વ્યક્તિના ધંધાનું સ્થળ વાઇબ્રન્ટ શાકભાજી માર્કેટ ને.હા.નં.48ની બાજુમાં આવલું હોય તેને કલસ્ટર કન્ટાઇનમેન્ટ ઝોન જાહેર કરી અવરજવર ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આ વિસ્તારના રહેવાસીઓને રાશન વગેરે સામગ્રી વાપી નગરપાલિકા હોમ ડીલીવરીથી પુરી પાડશે. ચલા-વાપી શહેરના સત્તાધાર સોસાયટી ભાગ-2 અને ભાગ-3, સનરાઇઝ સોસાયટી, વાપી પબ્લિક સ્કૂલના સમગ્ર વિસ્તારને બફર ઝોન તરીકે સમાવેશ કરાયો છે. આ વિસ્તારમાં આવશ્યક વસ્તુઓ ખરીદી માટે સવારે 8:00 થી 12:00 કલાક સુધી સોશિયલ ડીસ્ટન્સનું પાલન કરવાની શરતે અવરજવર માટેનો માર્ગ ખુલ્લો રખાશે. આ સમયગાળા દરમિયાન દ્વિચક્રિય વાહન ઉપર એક વ્યક્તિ અને ત્રણ/ ચાર ચક્રીય વાહનમાં બે થી વધુ વ્યક્તિઓ પ્રવાસ કરી શકશે નહીં.
સદરહુ વ્યક્તિના સંપર્કમાં આવેલા તમામ વ્યક્તિઓએ આરોગ્ય કંટ્રોલરૂમનો સંપર્ક કરવા અથવા તાલુકા હેલ્થ ઓફિસરને માહિતી આપી કોરોન્ટાઇન કરવાનો આદેશ પણ કરાયો છે.
આ હુકમ સરકારી ફરજ અથવા કામગીરીમાં હોય તેમજ હોમગાર્ડ કે અન્ય સરકારી અને અર્ધ સરકારી, ખાનગી દવાખાના સ્ટાફ તથા ઇમરજન્સી સેવા સાથે સંકળાયેલા વ્યક્તિ કે જેઓ કાયદેસરની ફરજ ઉપર હોય તથા ભારત સરકારના ગૃહ મંત્રાલયના અગાઉ ઇસ્યુ કરેલા હુકમોથી જાહેર કરવામાં આવેલ આવશ્યક સેવાઓ કે જે માટે અધિકૃત અધિકારી દ્વારા પાસ ઇસ્યુ કરવામાં આવ્યા છે તેઓ તથા સ્મશાનયાત્રાને લાગુ પડશે નહીં. આ હુકમનો ભંગ કરના વ્યક્તિ ભારતીય દંડ સંહિતા તેમજ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની જોગવાઇ મુજબ સજાને પાત્ર થશે.