ગુજરાત

gujarat

ETV Bharat / state

છઠ્ઠ પર્વ 2023: વાપી-વલસાડ અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી સહિત દમણ પંથકમાં છઠ્ઠ પર્વની આસ્થાભેર ઉજવણી, સૂર્યદેવને આસ્થાનું અર્ધ્ય અર્પિત કરાયુ - વલસાડ ન્યૂઝ

સૂર્યની ઉપાસનાનું પર્વ એટલે છઠપૂજા, આ પર્વનો ઉત્તર ભારતવાસીઓમાં ઘણો મહિમા છે. 4 દિવસના આ પર્વ અંતર્ગત વાપી નજીકથી પસાર થતી દમણગંગા, કોલક નદી અને રાતા ખાડી ખાતે ઉત્તર ભારતવાસીઓએ સૂર્યની ઉપાસના કરી, રવિવારે સાંજે પ્રથમ અર્ધ્ય અર્પણ કર્યું હતું.

વાપી-વલસાડમાં છઠ્ઠ પ્રવની આસ્થાભેર ઉજવણી
વાપી-વલસાડમાં છઠ્ઠ પ્રવની આસ્થાભેર ઉજવણી

By ETV Bharat Gujarati Team

Published : Nov 20, 2023, 7:44 AM IST

છઠ્ઠ પર્વની આસ્થાભેર ઉજવણી

વલસાડ: વાપી સહિત આસપાસના વિસ્તારમાં ઔદ્યોગિક એકમોમાં કામ કરતા તેમજ વેપાર-ધંધા માટે ગુજરાતમાં સ્થાયી થયેલા હજારો ઉત્તર ભારતીય પરિવારો દ્વારા છઠપૂજાની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે વાપી નજીક પસાર થતી દમણગંગા નદીના કાંઠે નવદુર્ગા ટ્રસ્ટ સહિત અન્ય સંસ્થાઓએ વિશેષ આયોજન કર્યું હતું. રવિવારે સાંજે દમણગંગા નદી કિનારે હજારોની સંખ્યામાં ઉપસ્થિત વ્રતધારી મહિલાઓએ નદીના પાણીમાં ઉભા રહી ડૂબતા સૂર્યદેવને અર્ધ્ય અર્પણ કરી છઠ્ઠી મૈયાનો જયજયકાર કર્યો હતો.

સૂર્યદેવની પૂજા

સૂર્યદેવની પૂજા: વાપી-વલસાડ અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી દમણને પોતાની કર્મભૂમિ બનાવનાર ઉત્તરભારતીય સમાજે રવિવારે મહાપર્વ એવા છઠ્ઠ પર્વ નિમિત્તે ડૂબતા સૂર્યદેવને પ્રથમ અર્ધ્ય અર્પણ કર્યું હતું. વાપી, દમણ, સેલવાસમાં નદી કિનારે આ માટે વિવિધ સંસ્થાઓ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. વાપીમાં દમણગંગા નદી જ્યાંથી પસાર થાય છે. તે હરિયા પાર્કની ખાડી ખાતે નવદુર્ગા સેવા ટ્રસ્ટ દ્વારા વ્રતધારીઓ માટે પાણી, વસ્ત્ર બદલવા માટે રૂમની વ્યવસ્થા, લાઇટિંગની વ્યવસ્થા સહિત મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. જે અંગે ટ્રસ્ટના ટ્રસ્ટી અનુગ્રહ સિંઘાનિયાએ જણાવ્યું હતું કે, તમામ સુવિધાઓ પુરી પાડવા 10 દિવસ પહેલાથી જ ઘાટ પર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી.

વ્રતધારીઓની આસ્થા

વ્રતધારીઓની આસ્થા: આ અંગે છઠ પૂજા માટે ઉપસ્થિત રહેનારા વ્રતધારીઓએ જણાવ્યું હતું કે, છઠ પુજાનું ઉત્તર ભારતીય સમાજમાં ખૂબ જ મહત્વ છે. આ વ્રત દરમ્યાન વ્રતધારીઓ આખો દિવસનો ઉપવાસ કરી સાંજે અને સવારે સૂર્યદેવને અર્ધ્ય અર્પણ કરી પૂજા કરે છે. હર્ષોલ્લાસ ભર્યા અને દરેક મનોકામના સિદ્ધ કરતા આ પર્વ નિમિત્તે તમામ પોતાના પરિવાર સાથે નદી કાંઠે ઉપસ્થિત રહી સૂર્યદેવને ઢળતી સાંજનું અને બીજે દિવસે વહેલી સવારનું અર્ધ્ય આપી છઠ પૂજા કરે છે.

ઉત્તરભારતીયોનું મહાપર્વ એટલે છઠ્ઠ પર્વ

ઉત્તરભારતીયોનું મહાપર્વ: બિહારમાં આ પર્વને મહાપર્વ માનવામાં આવે છે. સૂર્યને અર્ધ્ય અર્પણ કરવું અને છઠ્ઠી મૈયાની પૂજાને શુભ માનવામાં આવે છે, મહિલાઓ 48 કલાકનો ઉપવાસ રાખે છે. આ પર્વ દરેક મનોકામના પૂર્ણ કરતું પર્વ છે નિઃસંતાન મહિલાઓ સંતાન પ્રાપ્તિ માટે વિધિ વિધાન સાથે આ પર્વ નિમિત્તે ઉપવાસ રાખે છે. અને તેમની એ મનોકામના પૂર્ણ થતી હોવાની માન્યતા છે. દમણ ગંગા નદી કિનારે એવી માતાઓ પણ આવેલી હતી જેઓએ આ વ્રત રાખ્યા બાદ સંતાનની પ્રાપ્તિ કરી હતી અને આજે તેમની દીકરીઓએ આ ઉપવાસ રાખી સૂર્યદેવને અર્ધ્ય અર્પણ કર્યું હતું.

ઉત્તરભારતીયોનું મહાપર્વ એટલે છઠ્ઠ પર્વ

શું છે મહાત્મય: આ પર્વ ખૂબ જ કઠીન પર્વ છે. જેમાં સુર્યાસ્ત સમયે સૂર્યની પૂજા કરવામાં આવે છે. ઉપવાસ કરવામાં આવે છે. પાણીમાં ઊભા રહીને સૂર્યદેવને અર્ધ્ય ચઢાવવામાં આવે છે. એ જ ક્રિયા બીજે દિવસે વહેલી સવારે સૂર્યોદય સમયે કરવામાં આવે છે. જે દરમિયાન ફળ શાકભાજી અને પ્રસાદ બનાવી નદી કિનારે લાવી પૂજા કરી તે તમામ સામગ્રી સૂર્યદેવને અર્પણ કરી છઠ પર્વની ઉજવણી કરવામાં આવે છે.

છઠ્ઠ પર્વની આસ્થાભેર ઉજવણી

આસ્થા અને ઉંમગનો અવસર: વાપીના દમણ ગંગા નદી કિનારે ઉતર ભારતીય સમાજ ઉપરાંત રાજસ્થાની, ગુજરાતી સમાજની મહિલાઓ પુરુષો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જેઓએ ઉત્તર ભારતીય સમાજના આ મહાપર્વની ઉજવણી નિહાળી આનંદની અનુભૂતિ કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે તેઓ છઠ પૂજા નથી મનાવતા પરંતુ તેમ છતાં પણ દર વર્ષે આ પૂજામાં સહભાગી થવા નદી કાંઠે ઉપસ્થિત રહે છે. ઉત્તર ભારતીય સમાજ એકબીજાની સાથે હળી મળીને પ્રેમ ભાવના સાથે આનંદ ઉત્સાહભેર આ પર્વ ઉજવે છે તે જોઈ ખૂબ જ ખુશીની લાગણી અનુભવે છે

મહિલાઓ કરે છે ત્રણ દિવસ કઠોર ઉપવાસ: કહેવાય છે કે, સૂર્યનો જન્મ થયા બાદ દેવતાઓએ છઠ્ઠા દિવસે તેમની ઉપાસના કરી હતી. ત્યારબાદ સૂર્યનું અસલ તેજ પ્રકાશિત થયું હતું. ત્યારથી આ પર્વનો પ્રારંભ થયો હોવાની લોકકથા પ્રવર્તે છે. આ પર્વ અંતર્ગત મહિલાઓ ત્રણ દિવસ કઠોર અનશન રાખે છે. રાત્રે ગોળની ખીરનો પ્રસાદ આરોગે છે. અને મહિલાઓ સવારે-સાંજે સૂર્યને અર્ધ્ય આપે છે. માથે શણગારેલી ટોપલીમાં કેળા, પપૈયા સહિતના ફળો કંકુ-ચોખા, શેરડી વગેરે નદીકાંઠે લઈને આવે છે. નદીકાંઠે દીવો પ્રગટાવી હાથમાં જળ લઈને ડૂબતા સુર્યને અર્ઘ્ય અર્પણ કરી ઘર-પરિવાર સમાજ અને દેશમાં સુખશાંતિ જળવાઈ રહે તે માટે સૂર્ય દેવ સમક્ષ પ્રાર્થના કરે છે. જેમાં કેટલાક વ્રતધારીઓ જમીન પર અળોટતા તથા નત મસ્તક નમન કરતાં આકરા તપ સાથે નદી કાંઠે આવી વ્રતની પૂજા કરતા જોવા મળ્યા હતા.

વ્રત પાછળની લોકવાયકા: લોકવાયકા મુજબ માતા કુંતીએ આ વ્રત કરી પુત્ર રૂપે કર્ણની પ્રાપ્તિ કરી હતી. ત્યારથી આ વ્રત દરેક ઉત્તરભારતીય સમાજના લોકો ઉજવે છે. તેમના મતે આ કઠોર વ્રત છે અને સૌથી મોટું મહત્વનું પર્વ છે. હાલમાં દેશના તમામ રાજ્યમાં અને વિદેશમાં સ્થાયી થયેલા હજારો ઉત્તરભારતીય લોકો આ વ્રત કરે છે.

અન્ય એક માન્યતા: ઉલ્લેખનીય છે કે, વાપી દમણ સેલવાસમાં ઔદ્યોગીકરણ થતાં અનેક ઉત્તર ભારતવાસીઓ અહીં આવીને વસ્યા છે. જોકે તેઓ તેમના સંસ્કારો અને રીતરિવાજો ભૂલ્યા નથી. કહેવાય છે કે રામ અને સીતા, કુંતી અને દ્રૌપદીએ પણ આ વ્રત કર્યું હતું. વાપી સહિત સેલવાસ, દમણની આસપાસના વિવિધ વિસ્તારોમાં નદી તળાવમાં અને દરિયાકિનારે મોટી સંખ્યામાં આવેલા લોકોએ રવિવારે સાંજે છઠ્ઠી મૈયાની જય બોલાવી સૂર્યદેવને જળ સાથેનું અર્ધ્ય અર્પણ કરી છઠ્ઠપૂજાની ઉલ્લાસભેર ઉજવણી કરી હતી.

  1. છઠ્ઠ પર્વ 2023: વાપીમાં આજે દોઢ લાખ ઉત્તરભારતીય લોકો કરશે છઠ્ઠ પર્વની ઉજવણી, વિવિઘ ત્રણ ઘાટો પર સૂર્યદેવને કરશે અર્ધ્ય અર્પિત
  2. Diwali 2023 : દિવાળીમાં ઘરઆંગણે ઘેરિયા નૃત્યના વધામણાં કરાવવાની આદિવાસી પરંપરાની સુંદર ઝલક માણો

ABOUT THE AUTHOR

...view details