વાપીમાં રેલવે સ્ટેશન પર વાપી-વલસાડની સ્પેશયલ ઓપરેશન ગ્રુપની ટિમ(SOG), બૉમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDS), રેલવે પોલિસ ફોર્સ (RPF), ગુજરાત રેલવે પોલિસ ફોર્સ (GRPF)ની ટીમ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયુ હતું. વાપી રેલવે સ્ટેશન પર આવેલા વિવિધ પાર્સલ, પ્રવાસીઓના સામાન સહિત શંકાસ્પદ પ્રવાસીઓની પૂછપરછ હાથ ધરી હતી. ટીમ દ્વારા રેલવે સ્ટેશન પર દરેક પ્લેટફોર્મ પર, ટિકિટબારી પર મેટલ ડિટેક્ટર દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું.
આગામી તહેવારોને અનુલક્ષીને વાપી રેલવે સ્ટેશન પર હાથ ધરાયુ ચેકિંગ - valsad news today
વાપી: આગામી દિવસોમાં આવી રહેલી સ્વતંત્રતા દિન, રક્ષાબંધન અને જન્માષ્ટમી જેવા તહેવારોને અનુલક્ષીને વાપીના મુખ્ય અવરજવર ધરાવતા રેલવે સ્ટેશન સહિતના વિસ્તારમાં અને મોલમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વલસાડ પોલિસ અને BDS બૉમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયુ હતું.
આ અંગે ચેકિંગ ટીમે જણાવ્યું હતું કે હાલમાં જ કાશ્મીરમાં 370ની કલમ હટાવ્યા બાદ અને આગામી દિવસોમાં 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિન, રક્ષાબંધન, જન્માષ્ટમી સહિતના તહેવારો આવતા હોય. આ તહેવાર દરમ્યાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે આ ચેકિંગ હાથ ધરાયુ છે. જેમાં વિવિધ ટિમ બનાવી શહેરના ભીડભાડ વાળા વિસ્તારો, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન સહિત મોલ અને માર્કેટમાં પણ સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ચેકિંગ દરમ્યાન વાપી રેલવે સ્ટેશન પર કોઈ જ શંકાસ્પદ ચીજવસ્તુ મળી ન હતી પરંતુ, સતર્કતાના ભાગરૂપે હાથ ધરાયેલ ચેકિંગથી મુસાફરો પણ સજાગ બન્યા હતાં. આ તબક્કે મુસાફરોને પણ પોલિસે સાવધાન રહેવા અને જો કોઈ શંકાસ્પદ ચીજ વસ્તુ દેખાય કે શંકાસ્પદ વ્યક્તિની હિલચાલ નજર સમક્ષ આવે તો તાત્કાલિક પોલિસમાં જાણ કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.