સંજાણ બંદર ખાતે મુસ્લિમ સમાજ દ્વારા હજરત મહંમદ પયગંબર સાહેબની જન્મ જયંતી નિમિત્તે હર્ષોલ્લાસ સાથે ઇદ-એ- મિલાદની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી દરમિયાન સંજાણમાં મુખ્ય માર્ગ પર જુલૂસ કાઢવામાં આવ્યું હતું. જેમાં મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ જુલૂસ સંજાણના મુખ્ય રસ્તાઓ પરથી પસાર થયું હતું.
સંજાણમાં ઈદ-એ-મિલાદની ઉજવણી ઈદ-એ-મિલાદ નિમિત્તે સંજાણના મુસ્લિમ અગ્રણી અને રિફાઈ સિલસીલા કાદરી અમીરુદ્દીન ઇન્દ્રગઢિયાએ જણાવ્યું હતું કે, તેમને સંજાણ પર ગર્વ છે. સંજાણમાં મદીના મસ્જિદ, ચર્ચ, જૈન મંદિર, રામમંદિર, આગાખાન, પારસી સમાજ સહિત તમામ ધર્મના ધર્મસ્થાનો છે. અને વર્ષોથી દરેક સમાજ કોમી એક્તાથી રહે છે. દર વર્ષે કોમી એક્તાના ઉદાહરણ રૂપ ભવ્ય જુલૂસ પણ કાઢવામાં આવે છે. જેમાં તમામ કોમનો પુરો સહકાર મળી રહે છે. સંજાણમાં ક્યારેય કોઈ મુદ્દે કોમવાદ ફેલાતો નથી. શનિવારે અયોધ્યાનો જે ચુકાદો આવ્યો છે. તે ચુકાદો અમને માન્ય છે. આ ફેંસલો કુદરતનો ફેંસલો છે. વધુમાં હું કોઈ મઝહબી સિયાસત કે પોલિટિક્સ પર ટીપ્પણી કરવા નથી માંગતો એટલે આ અંગે વધુ કંઈ કહી શકું નહીં..જ્યારે, મસ્જિદના ટ્રસ્ટી અને આગેવાન મુસ્તકભાઈએ જણાવ્યું હતું કે, સંજાણમાં અમે તમામ કોમ એકસંપ થઈને રહીએ છીએ. અયોધ્યાના ચુકાદાને અમે કુદરતનો ફેંસલો માની માન્ય રાખ્યો છે.સંજાણના રહેવાસી અને ઉમરગામ તાલુકાના ભારતીય જનતા પાર્ટીના માજી પ્રમુખ મોહન સલાટે જણાવ્યું હતું કે, સંજાણમાં વર્ષોથી હિન્દૂ-મુસ્લિમ તમામ કોમ એક્તા અને ભાઈચારાથી રહેતી આવી છે. ઈદના જુલૂસ દરમિયાન પણ તમામ કોમ એખલાસના દર્શન કરાવે છે.ઉલ્લેખનીય છે કે, સંજાણમાં દર વર્ષે ઇદ-એ-મિલાદ નિમિત્તે ભવ્ય જુલૂસ સાથે અદ્દભુત તલવાર બાજીનાં કરતબ બતાવે છે. પરંતું આ વખતે જિલ્લામાં હથિયાર બંધી હોય અને અયોધ્યા ચુકાદા બાદ કોમી શાંતિ જળવાઈ રહે તે માટે તલવાર બાજીનાં કરતબ મોકૂફ રખાઈ હતી. અને શાંતિ પૂર્ણ માહોલમાં ઈદ-એ-મિલાદની ઉજવણી થઈ હતી.