- કોરોના મહામારીમાં સાવચેતી સાથે નાતાલ પર્વની ઉજવણી
- રાત્રે 12 વાગે પ્રભુ ઈસુના જન્મદિવસની ઉજવણી મૌકૂફ
- ભારતીય પરંપરા મુજબ નમસ્તે સાથે મેરી ક્રિસમસની શુભેચ્છા પાઠવી
વાપીઃ શહેર સહિત સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં ખ્રિસ્તી સમાજે પ્રભુ ઈસુના જન્મદિવસની ઉજવણી કરી હતી. દર વર્ષની સરખામણીએ આ વર્ષે કોરોના મહામારીને ધ્યાને રાખી રાત્રે 12 વાગ્યે ઉજવાતા ઈસુના જન્મદિવસની ઉજવણી મૌકૂફ રાખી રાત્રે 9 વાગ્યા બાદ ચર્ચમાં મિસાનું આયોજન કરવામાં આવ્યું હતું. કોરોના ગાઈડલાઈનને અનુસરીને એકબીજાને મેરી ક્રિસમસ કહી નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
અવર લેડી ઓફ વેલાન્કની ચર્ચમાં ક્રિસમસની ઉજવણી
આ અંગે વાપીના અવર લેડી ઓફ વેલાન્કની ચર્ચના ફાધર ટોની લોપસે જણાવ્યું હતું કે, કોરોના મહામારીને ધ્યાને રાખી આ વખતે ઉજવણીનો કાર્યક્રમ રાત્રીના 12 વાગ્યાને બદલે 9 વાગ્યે ઉજવવામાં આવ્યો હતો. જેમાં દરેકને કોરોના મહામારીને ધ્યાને રાખી માસ્ક, હેન્ડ સેનિટાઈઝર, સોશ્યલ ડિસ્ટન્સ અને થર્મલ ચેકિંગ કરી ચર્ચ પરિસરમાં પ્રવેશ અપાયો હતો. જે બાદ મિસાનું આયોજન હતું. જે પૂરું થયા બાદ તમામે એકબીજાને મેરી ક્રિસમસ કહી કેક અને ચા નો હળવો નાસ્તો કર્યો હતો.