વાપી:વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન અને નોટિફાઇડ એરિયા ઓથોરિટીના સહયોગથી વાપી GIDC માં અંદાજિત 20 લાખના ખર્ચે અદ્યતન CCTV સર્વેલન્સ રૂમનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ CCTV સર્વેલન્સ રૂમમાં 68 CCTV કેમેરાનું મોનીટરીંગ કરવામાં આવશે. નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ અને સુરત રેન્જના એડીશનલ DGP પિયુષ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
ઉદ્યોગકારોની મદદથી લગાવ્યા CCTV:વાપીમાં નોટિફાઇડ વિસ્તારમાં આવતા ગુંજન પોલીસ ચોકી ખાતે રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ અને સુરત રેન્જના એડીશનલ DGP પિયુષ પટેલના હસ્તે અદ્યતન CCTV સર્વેલન્સ રૂમનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, 'વાપી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની એક તાસીર રહી છે કે અહીંના ઉદ્યોગકારો સમાજને, રાજ્યને કે વ્યક્તિને જરૂરિયાત મુજબની સેવાના કાર્યમાં પોતાનું યોગદાન આપતા આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2011 માં ગુજરાતમાં સૌપ્રથમ વિશ્વાસ પ્રોજેક્ટ કાર્યરત કર્યો હતો. જે ટેકનોલોજીના માધ્યમથી અનેક સમસ્યાઓનું નિરાકરણ કરી પોલીસે સફળતા પ્રાપ્ત કરી છે.'
179 કેમરા લાગશે:જે અંતર્ગત આ પ્રોજેક્ટને વધુ વેગ મળે તેવા ઉદેશ્યથી સુરત રેંજના એડિશનલ DGP પિયુષ પટેલ અને વલસાડ SP ડૉ. રાજદીપસિંહ ઝાલાની આગેવાની હેઠળ વાપીના ગુંજન ચોકી ખાતે CCTV સર્વેલન્સ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. જેના દ્વારા શહેરમાં લગાવેલા 179 જેટલા CCTV કેમેરાથી GIDC, નોટિફાઇડ વિસ્તારમાં બાજ નજર રાખી શકાશે. આ સીસીટીવી કેમેરાની મદદથી ક્રાઈમની ઘટનાઓ ઉકેલવામાં અને ક્રાઈમ પર કંટ્રોલ મેળવવામાં ફાયદો થશે ટેકનોલોજીના માધ્યમથી જિલ્લાને સુરક્ષિત રાખવાની પહેલમાં વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન અને નોટિફાઇડ એરીયા ઓથોરીટી દ્વારા સારી એવી રકમ ઉપલબ્ધ કરાવવામાં આવી છે તેમજ તેના ઓપરેટર સહિતનો ખર્ચ ઉપાડવાની ખાતરી આપી હોય તમામને અભિનંદન પાઠવ્યા હતા.
151 CCTV ઇન્સ્ટોલ કરવામાં આવ્યા:આ પ્રસંગે સુરત રેંજના એડિશનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ પિયુષ પટેલે જણાવ્યું હતું કે વાપી નોટિફાઇડ અને વાપી ઇન્ડસ્ટ્રીઝ એરીયા ઓથોરિટીના સહકારથી વાપી નોટિફાઇડ અને જીઆઇડીસી વિસ્તારમાં અંદાજિત 68 જેટલા કેમેરાનું મોનિટરિંગ કરી શકે તેવી અધ્યતન સીસીટીવી સર્વેલન્સ રૂમનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં ફેઝ વન અને ફેઝ ટુ મળીને કુલ 151 જેટલા સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે. આ તમામ કેમેરા હાઈ રિઝોલ્યુશન ધરાવતા ઉત્તમ ક્વોલિટીના કેમેરા છે. જેમાં 33 કેમેરા ઓટોમેટીક નંબર ડિસ્પ્લે કરી શકતા અને ઓટોમેટીક ચલણ જનરેટ કરી ગુન્હામાં વપરાયેલા વાહનોની ઓળખ કરી બતાવતા અધ્યતન ટેકનોલોજીથી સજ્જ કેમેરા છે. તમામ CCTV કેમેરા નાઈટ વિઝન કેમેરા છે. અને 30 થી 60 FPS ધરાવતા પાંચ મેગા પિક્સેલ સુધીના છે.