ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોના કાળ દરમિયાન ડેન્ગ્યુ, મલેરિયા, લેપ્ટોસ્પાયરોસીસ જેવા રોગોના કેસમાં ઘટાડો

વૈશ્વિક મહામારી કોરોનાની ભલે હજુ સુધી કોઈ દવા ના શોધાઈ હોય પરંતુ કોરોના કાળ અનેક વાયરલ બીમારી માટે દવા સમાન સાબિત થયો છે. કોરોના કાળમાં ડેન્ગ્યુ, મલેરિયા, લેપ્ટોસ્પાયરોસીસ જેવા પાણીજન્ય રોગનું પ્રમાણ ઘટ્યું છે. તો સાથે સાથે લોકો કોરોના મહામારી પ્રત્યે વધુ જાગૃત પણ બન્યા છે.

પાણીજન્ય રોગમાં ઘટાડો
પાણીજન્ય રોગમાં ઘટાડો

By

Published : Sep 1, 2020, 1:09 PM IST

વાપી: વલસાડ જિલ્લામાં અને સમગ્ર દેશમાં ચોમાસા દરમિયાન પાણીજન્ય રોગનું પ્રમાણ વધતું હોય છે. જોકે આ વખતે કોરોનાની વૈશ્વિક મહામારીમાં આવા રોગનું પ્રમાણ ખૂબ જ ઘટ્યું છે. એ જોતા કોરોના મહામારી આવા રોગચાળા સામે દવા સમાન સાબિત છે. આ અંગે વાપી તાલુકા હેલ્થ ઓફિસર ડો. મૌનિક પટેલે વિગતો આપતા જણાવ્યું હતું કે, ગત વર્ષે એપ્રિલથી ઓગસ્ટ મહિના દરમિયાન ડેન્ગ્યુના 31 કેસ નોંધાયા હતા. જ્યારે આ વખતે 3 શંકાસ્પદ દર્દીઓ જ નોંધાયા છે. એ જ રીતે ગત વર્ષે 6 મેલેરિયાના કેસ સામે આવ્યા હતા. જોકે આ વખતે માત્ર 2 જ કેસ નોંધાયા છે. લેપ્ટોસ્પાયરોસીસના ગત વર્ષે 4 કેસ નોંધાયા હતા, જ્યારે આ વખતે એકપણ કેસ નોંધાયો નથી.

પાણીજન્ય રોગમાં ઘટાડો
વાપી તાલુકા હેલ્થ સેન્ટર હેઠળ કુલ 9 હેલ્થ સેન્ટર આવેલા છે. જેમાં 5 PHC, 4 UPHC અને 1 સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ છે. જે તમામ સેન્ટરમાં ગત વર્ષે 1,90,216 OPD કેસ નોંધાયા હતા. આ વર્ષે 53,654 OPD કેસ જ નોંધાયા છે. તો ગત વર્ષે 5912 ડિલિવરી કેસ હતા. જે આ વખતે માત્ર 1275 ડિલિવરી કેસ જ નોંધાયા છે. ટૂંકમાં કોરોના મહામારીના કારણે લોકોએ હોસ્પિટલમાં જવાનું ટાળ્યું છે અથવા તો ઘરે જ ઘરગથ્થુ ઉપચાર કરી તંદુરસ્તી મેળવી રહ્યા છે.વધુમાં વાપી તાલુકા વિસ્તારમાં કોરોના મહામારી દરમિયાન અત્યાર સુધીમાં કુલ 363 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. જેમાંથી પણ હાલ માત્ર 33 દર્દીઓ જ સારવાર હેઠળ છે. એ ઉપરાંત આરોગ્ય વિભાગ દ્વારા સ્થાનિક ઔદ્યોગિક એકમો સાથે મળી ઘરે ઘરે અને ચાલીઓમાં સર્વેલન્સ કામગીરી હાથ ધરી છે. જેમાં એન્ટીજેન ટેસ્ટિંગ સહિતની કામગીરી બજાવવામાં આવી રહી છે અને કોરોના પોઝિટિવ દર્દીઓને શોધી તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details