વાપી:વલસાડ જિલ્લાના વાપીના ડુંગરા વિસ્તારમાં 5 એકરની આંબાવાડી ધરાવતા ખેડૂત એવા ડાહ્યાભાઈ હળપતિ કરોડપતિ ખેડૂત બન્યા છે કેમ કે બુલેટ ટ્રેન પ્રોજેકટમાં તેની 3 એકર જેટલી જગ્યા સંપાદન થતા તેના તેમના વલતરના સવા કરોડ રૂપિયા મળ્યા છે. તેમનું જીવનધોરણ સુધર્યું છે અને ધંધા વ્યવસાયનો વ્યાપ વધારી શક્યા છે.
3 એકરના સવા કરોડ મળ્યા:વાપીના ડુંગરા વિસ્તારમાં ગુજરાતનું અમદાવાદ પછીનું સૌથી મોટું બુલેટ ટ્રેનનું સ્ટેશન બની રહ્યું છે. આ ટ્રેન સ્ટેશનની બાજુમાં જ ખેડૂત અને ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા ડાયાભાઇ હળપતિ તેમના પુત્રો-પુત્રવધુ સાથે રહે છે. તેમના બંગલાની લગોલગથી જ બુલેટ ટ્રેનનું સ્ટેશન બની રહ્યું છે. જે જમીન તેમની જ હતી. અને તેમાં આંબાના અને નારીયેલીના ઝાડ હતાં. જોકે હવે તેના સ્થાને બુલેટ ટ્રેનના પિલલર ઉભા થયા છે. ડાયાભાઈની આંબાવાડીની અંદાજીત 3 એકર જમીન નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા સંપાદિત કરી છે. જેના તેમને સવા કરોડ રૂપિયા મળ્યા છે. જે રૂપિયાથી તેઓ તેમના ટ્રાન્સપોર્ટના વ્યવસાયનો વ્યાપ કરી શક્યા છે.
નવી કાર ખરીદી:ડાહ્યાભાઈ જણાવે છે કે, 'જે જમીનના પૈસા મળ્યા તેમાંથી તેમણે 3 એકર જમીનની સામે 5 એકર જમીન ખરીદી છે. એ ઉપરાંત ટ્રક ખરીદ્યો છે. નવી કાર લીધી છે. ખેતીની આવકમાં તે એટલા સધ્ધર નહોતા પરંતુ ખેતીની જમીન બુલેટ ટ્રેન પ્રોજેકટમાં આપીને પૈસે ટકે સુધ્ધર થયા છે. તેમના જેવા અન્ય ખેડૂતો અને ઘર-પ્લોટના માલિકોની જમીન પણ આ પ્રોજેકટમાં ગઈ છે. તે લોકોનું પણ જીવન ધોરણ પહેલાની તુલનાએ સુધર્યું છે.'
ટ્રાન્સપોર્ટ વ્યવસાયને વધાર્યો:સવા કરોડ રૂપિયા મળતા કરોડપતિ ખેડૂતની પુત્રવધુ હોવાનું ગૌરવ અનુભવતી ડાહ્યાભાઈ હળપતિની પુત્રવધુ રંજન સંજય હળપતિ પણ ખૂબ ખુશ છે. તેમણે જણાવ્યું હતું કે, 'ડુંગરા વિસ્તારમાં તેમના ઘર નજીક જ સસરાની આંબા વાડી હતી. જેની જમીન બુલેટ ટ્રેનમાં ગઈ તે બાદ તેમને તેનું સારું એવું વળતર મળ્યું છે. જેમાંથી સસરાએ ટ્રાન્સપોર્ટ વ્યવસાયને વધાર્યો છે. ઘરમાં કાર સહિત નવું ફર્નિચર અને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદી છે. બાળકોને સારી શાળામાં અભ્યાસ કરાવવાનું શક્ય બન્યું છે. સાથે સાથે એ વાતનું ગૌરવ પણ છે કે તેમના બંગલાની નજીકમાં તેની જ જમીન પર બુલેટ ટ્રેનનું સ્ટેશન બની રહ્યું છે.'