ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડનું ખોબા ગામ 'ખોબા' જેટલા વિકાસથી પણ વંચિત! 1 મહિનાથી અંધારપટ

વલસાડઃ રાજકારણની દ્રષ્ટિએ કેન્દ્રમાં રહેતો વલસાડ જિલ્લો વિકાસની દ્રષ્ટિએ હાંસિયામાં ધકેલાયો છે. મહારાષ્ટ્રની બોર્ડરને અડીને આવેલા વલસાડનાં ખોબા ગામના લોકોએ 'ખોબા' જેટલાં વિકાસ માટે પણ વલખા મારવા પડે છે. એક મહિનાથી આ ગામના લોકો સંપૂર્ણપણે અંધારા ઉલેચી રહ્યા છે. અહીં એક મહિનાથી સુધી વીજળી ન પહોંચે તો એ ગામમાં વિકાસ ક્યાંથી પહોંચ્યો હશે તે સમજી શકાય તેવું છે. આ પરિસ્થિતિમાં ગામના લોકોની હાલત જાયે તો જાયે કહાં જેવી થઈ છે.

વલસાડનું ખોબા ગામ 'ખોબા' જેટલા વિકાસથી પણ વંચિત ! 720 કલાકથી અંધારપટ

By

Published : Jun 24, 2019, 8:25 PM IST

Updated : Jun 24, 2019, 10:24 PM IST

ગ્રામ જ્યોતિ યોજના, કુટીર જ્યોતિ યોજના, ઝુંપડા વીજકરણ યોજના, આદિજાતિ વિસ્તારની પેટા યોજના હેઠળ વીજકરણ, કિશાન હિત ઉર્જા શક્તિ યોજના આવી તો એટલી બધી યોજના કે વાંચતા-વાંચતા હાંફી જવાય. જેટલા સુંદર આ યોજનાઓના નામ છે એટલી જ તેની વરવી વાસ્તવિકતા છે. વલસાડના કેટલાક ગામો એવા છે જ્યાં પ્રાથમિક સુવિધાઓ માટે પણ લોકોએ લાચારી ભોગવવી પડે છે. તેની સાબિતી વલસાડનું ખોબા નામનું ગામ આપી રહ્યુ છે. અહીંનાં લોકો છેલ્લા 720થી પણ વધારે કલાકથી અંધારપટમાં જીવન વ્યતિત કરી રહ્યા છે. એક મહિનાથી પણ વધુ સમય થવા આવ્યો પરંતુ વારંવાર રજૂઆત પછી પણ આ ગામમાં વીજપુરવઠો પૂર્વવત્ થઈ શક્યો નથી. ગામના લોકો દિવસના અજવાળામાં તો જેમ-તેમ સમય પસાર કરી લે છે. પણ જેવો સૂરજ પશ્વિમ તરફ નીચો ઉતરતો જાય તેવી ચિંતાઓની લકીર ગ્રામજનોના કપાળે ઉપસતી જાય છે.

વલસાડનું ખોબા ગામ 'ખોબા' જેટલા વિકાસથી પણ વંચિત! 720 કલાકથી અંધારપટ

પ્રકાશ વગરનું જીવન કલ્પનામાં પણ ડરાવી દે. એવામાં આ ગામના લોકોને અંધારાના આદી બનવા માટે વહીવટીતંત્ર મજબૂર કરી રહ્યુ છે. 24 કલાક વીજપુરવઠો આપવાના સરકારના તમામ દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે. દીવાનાં અજવાળામાં ગામના લોકો રસોઈ તો કરી લે છે. પરંતુ વીજળી ન હોવાથી નિયમિત પાણી આવતું નથી. તેના લીધે ન્હાવાની, વાસણ ધોવાની, સાફ-સફાઈ સહિતની અનેક સમસ્યાઓ ઉભી થઈ છે. રાત્રીના સમયે ઝેરી જાનવર અને જીવ-જંતુઓનો ડર પણ ગામલોકોને સતાવી રહ્યો છે. આ ગામ પહેલાથી જ વિકાસથી અળગું છે, એમાંય વીજપુરવઠો અને સરકારી કેરોસીન પણ મળવાનું બંધ થઈ ગયુ છે. જેથી લોકો પડયા ઉપર પાટુ જેવી સ્થિતિમાં મુકાયા છે. એક મહિનાથી રહીશો જાણે 15મી સદીમાં જીવી રહ્યા હોય એવુ અનુભવી રહ્યા છે. લોકો દ્વારા વીજ કંપનીને અનેકવાર રજૂઆત કરાઈ છે. સરકારી કર્મચારીઓ આવે છે અને જતાં રહે છે, પણ વીજળી આવતી નથી. ગામમાં વહેલી તકે વીજપુરવઠો ફરીવાર શરૂ થાય તે માટે પ્રચંડ માંગ ઉઠી છે.

Last Updated : Jun 24, 2019, 10:24 PM IST

ABOUT THE AUTHOR

...view details