- ઉમરગામ નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખની બિનહરીફ વરણી
- વાપી-ઉમરગામ તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની પણ વરણી
- ભાઈ-ભત્રીજાવાદ પ્રમુખ, ઉપપ્રમુખના હોદ્દા માટે પણ કાયમ રહ્યો
વલસાડ: જિલ્લાની વાપી-ઉમરગામ તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખ માટે બુધવારે ચૂંટણી યોજાઈ હતી. જેમાં ફરી એકવાર ભાજપમાં ચાલતો ભાઈ-ભત્રીજાવાદ છતો થયો હતો. વાપી તાલુકામાં પૂર્વ તાલુકા પ્રમુખની પત્નીને જ પ્રમુખ તરીકેનો હોદ્દો આપવામાં આવ્યો હતો. જ્યારે ભાઈને ટિકીટ આપવા તાલુકા મહામંત્રીના હોદ્દા પરથી રાજીનામું આપનાર કાર્યકરના ભાઈની ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી.
ઉમરગામ નગરપાલિકાના પ્રમુખ તરીકે ચારૂશીલા પટેલ
ઉમરગામ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની પણ બુધવારે ચૂંટણી યોજાઇ હતી. પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટે ઉમરગામ નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યોની પ્રથમ સામાન્ય સભા મળી હતી. પ્રાંત અધિકારી અને નગરપાલિકાના ચીફ ઓફિસરની અધ્યક્ષતામાં મળેલી ઉમરગામ નગરપાલિકાની સામાન્ય સભામાં ઉમરગામ નગરપાલિકાના પ્રમુખ તરીકે ચારૂશીલા પટેલ અને ઉપપ્રમુખ તરીકે ગણેશ બારી બિનહરીફ વિજેતા થયા હતા.
ટીનું બારીની ટીમ પર કળશ ઢોળવામાં આવ્યો
ઉમરગામ નગરપાલિકામાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી સાથે કારોબારી ચેરમેન તરીકે ગૌરવ ચંપક કોન્ટ્રકટર, પક્ષના નેતા તરીકે કૃણાલ ભરત રાઠોડ અને દંડક તરીકે પાર્થિની મોનિક ભંડારીની વરણી કરવામાં આવી હતી. ઉમરગામ નગરપાલિકામાં પણ ત્યાંના ટીનું બારીની ટીમ પર કળશ ઢોળવામાં આવ્યો છે અને પોતાના ખાસ લોકોને જ નગરપાલિકાનો કારભાર સોંપ્યો છે.
વધુ વાંચો:મહુવા તાલુકા પંચાયતમાં ભાજપના પ્રમુખ-ઉપપ્રમુખની વરણી કરવામાં આવી
ચુંટાયેલા પદાધિકારીઓ સર્વાંગી વિકાસની ખાતરી આપી
ભાજપ શાસિત ઉમરગામ નગરપાલિકાની પ્રથમ સભામાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થતાં તેમના સમર્થકો અને કાર્યકર્તાઓએ અભિનંદન પાઠવ્યા હતા. આગામી સમયમાં ઉમરગામ નગરપાલિકાના તમામ વિસ્તારોમાં નિષ્ઠાપૂર્વક કામ કરી પાલિકાનો સર્વાંગી વિકાસ કરવાની ખાતરી ચૂંટાયેલા પ્રમુખ-ઉપપ્રમુખે આપી હતી.
કોંગ્રેસી કોર્પોરેટરના નિધનથી પ્રથમ સામાન્ય સભા ખંડિત થઇ હતી
મહત્વપૂર્ણ છે કે ઉમરગામ નગર પાલિકાની યોજાયેલી ચૂંટણીમાં ઉમરગામ નગરપાલિકાની કુલ 28 બેઠકોમાંથી 21 બેઠકો પર ભાજપ અને 7 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારો વિજેતા થયા હતા. જોકે ઉમરગામ નગર પાલિકાની મળેલી આ પ્રથમ સભા ખંડિત થઈ હતી કારણકે ઉમરગામ નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણમાંથી કોંગ્રેસની ટિકીટ પર ચૂંટાયેલા યુવા કોર્પોરેટર કિંચિત્ રાયનું નિધન થયું હતું. માર્ગ અકસ્માતમાં કોંગ્રેસના યુવા કોર્પોરેટરનું મોત થતા ઉમરગામ નગર પાલિકાની મળેલી પ્રથમ સામાન્ય સભામાં યુવા કોર્પોરેટરના નિધન પર શોક વ્યક્ત કરી અને તેમના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.
વધુ વાંચો:તળાજા તાલુકા પંચાયતમાં ભાજપના પ્રમુખ, ઉપપ્રમુખની વરણી કરાઈ
વાપી તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે વાંસતી રાજેશ પટેલની વરણી
વાપી તાલુકામાં પ્રમુખ તરીકે વાસંતી રાજેશ પટેલ, ઉપપ્રમુખ તરીકે રજનીકાંત નારણ પટેલ, કારોબારી ચેરમેન તરીકે સંજય ડાહ્યા પટેલ, પક્ષના નેતા તરીકે જગદીશ મોહન હળપતિ અને દંડક તરીકે કમલેશ મણિલાલ પટેલની સર્વાનુમત્તે વરણી કરવામાં આવી હતી.
ભાજપે તમામ હોદ્દાઓ એક ખાસ લોબીને જ આપ્યા
આ તરફ ઉમરગામ નગરપાલિકામાં પણ પ્રમુખ તરીકે રમેશ વેસ્તા ધાગડાં, ઉપપ્રમુખ તરીકે પ્રતિમા પ્રકાશ પટેલ, કારોબારી ચેરમેન તરીકે ચિંતન રમેશચંદ્ર પટેલ, પક્ષના નેતા તરીકે દેવેન્દ્ર ગુલાબ પટેલ અને દંડક તરીકે નયના હર્ષદ પુરોહિતની વરણી કરવામાં આવી હતી. ઉમરગામ તાલુકા પંચાયતમાં પણ ભાજપે એક ખાસ લોબીને જ મુખ્ય હોદ્દાઓ આપ્યા હોવાની જાણકારી સૂત્રો તરફથી જાણવા મળી હતી.