- વાપીમાં સુશાસન દિવસની ઉજવણી
- રાજ્યપ્રધાન ઇશ્વરસિંહ પટેલ રહ્યા ઉપસ્થિત
- લાભાર્થીઓને કીટ અને વાહન ભેટ આપ્યા
વાપીઃ વલસાડ જિલ્લાના વાપી તાલુકા મથકે વીઆઇએ હોલ ખાતે સહકાર રમતગમત રાજ્યપ્રધાન ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાયીના જન્મદિવસ નીમીત્તેે સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે સહકાર રાજ્યપ્રધાન ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, કિસાનોની આવક બમણી થાય તેવા રાજ્ય સરકાર તરફથી સતત પ્રયાસો રહ્યા છે. જેને અનુલક્ષીને ધરતીપુત્રોના આર્થિક ઉત્થાનને નવી દિશા આપવામાં આવી છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સાત પગલાં ખેડૂત કલ્યાણ હેઠળ સાત જેટલી ખેડૂતલક્ષી યોજનાઓ અમલી બનાવી છે.
વાપીમાં ભાજપ દ્વારા સુશાસન દિવસની ઉજવણી, અનેક યોજનાઓ હેઠળ સરકારની ખેડૂતોને મદદ
આજનો ખેડૂત ઝીરો બજેટથી પ્રાકૃતિક ખેતી કરી ઓર્ગેનિક ખેત પેદાશોનું ઉત્પાદન કરી શકે તે માટે કૃષિ કિટ, ખેડૂત પોતાનું ખેત ઉત્પાદન સરળતાથી વેચાણ કરી શકે તે માટે વાહન ખરીદી માટે લોન સહાય, પાક સંગ્રહ માટે ગોડાઉન બનાવવા માટે સહાય સહિત અનેક યોજનાઓ હેઠળ આ સરકાર ખેડૂતોને મદદરૂપ બની રહી છે.
વાપીમાં ભાજપ દ્વારા સુશાસન દિવસની ઉજવણી, કીટ, સહાય તેમજ પુરસ્કાર આપી સન્માનિત કર્યા
વાપી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સહકાર રાજ્યપ્રધાન ઈશ્વરસિંહ પટેલ અને મહાનુભાવોના હસ્તે સાત પગલાં ખેડૂત કલ્યાણ અને ગરીબ કલ્યાણ મેળાના લાભાર્થીઓને કીટ અને સહાય તેમજ શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કારનું વિતરણ કરાયું હતું. જ્યારે મુખ્યપ્રધાન કિસાન પરિવહન યોજના અને દસ ગામ દીઠ ફરતા દવાખાના યોજના હેઠળ વાહનોનું વિતરણ કરવાની સાથે તેને ફ્લેગ ઓફ આપી રવાના કરવામાં આવ્યા હતા.