વાપીઃ ભિલાડના BNB ગ્રુપ કંપનીએ કોરોના સંક્રમણ દરમિયાન ગુજરાતમાં સૌપ્રથમ વખત હોસ્પિટલમાં અને ટેમ્પરરી બેઠકવાળી જગ્યામાં ઊપયોગી થઈ શકે તેવા થર્મોકોલના બેડ બનાવી આત્મનિર્ભરતાનો આઈડિયા દેશ સામે રજૂ કર્યો છે. કોરોના મહામારી અને લોકડાઉનમાં કામદારો તેમના રૂમમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે હેતુથી આ બેડ બનાવ્યા છે. જેના અનેક ફાયદા જોતા હવે તેને હોસ્પિટલોમાં, આઇશોલેશન વોર્ડમાં, કોરોન્ટાઇન સેન્ટરમાં આપવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
કોરોનાની મહામારીમાં બેડની જરૂરિયાત સંતોષી શકાય તે માટે ભિલાડની કંપનીએ બનાવ્યા થર્મોકોલના બેડ - આત્મનિર્ભરતાનો આઈડિયા
કોરોના મહામારી અને લોકડાઉનમાં દેશનું અર્થતંત્ર તૂટી ચૂક્યું છે. વેપાર ધંધા ઠપ્પ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આત્મનિર્ભર બનવાનું આહવાન કરે છે. આવા સમયે પોતાના કામદારોમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય રહે જો કોરોના મહામારી વકરે તો બેડની તાતી જરૂરિયાત પુરી કરી શકે તે માટે ભિલાડની થર્મોકોલ કંપનીએ થર્મોકોલના બેડ બનાવ્યા છે. જેને તેઓ હોસ્પિટલોમાં અને જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવાની નેમ સેવી છે.
આ અંગે રિશિકા પેકેજીંગ કંપનીના પાર્ટનર રાકેશ બોત્રાએ જણાવ્યું હતું કે, આ આઈડિયા લોકડાઉનમાં તેમના કામદારોને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવવા માટે બનાવ્યા છે. જેનો ઉપયોગ હોસ્પિટલ સહિતની અનેક જગ્યાએ પણ થઈ શકે છે. આ બેડ 600 કિલો સુધીનું વજન ઉઠાવી શકે છે. એક જ વ્યક્તિ ઉંચકી શકે તેવો વજનમાં હળવો અને ફોલ્ડિંગ છે. જેથી ટ્રાન્સપોર્ટેશન આસાનીથી કરી શકાય તેમ છે.
ત્યારે આ અંગે વાપીના તબીબ ડૉ. વિશાલ પટેલે જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં આઇશોલેશન વોર્ડ, વેન્ટિલેટર માટે, આ બેડ ખૂબજ ઉપયોગી થઈ શકે છે. થર્મોકોલના બેડ બેક્ટેરિયા રહિત છે. તે પાણીમાં પલળતા નથી, સેનેટાઇઝ કરી શકાય છે.
કંપનીના પાર્ટનર પવન જૈનના જણાવ્યા મુજબ, ભેજ રહિત અને અનેક રીતે ફાયદાકારક બેડ સાથે તેઓ વધારાની જરૂરિયાત મુજબ સુવિધાઓ પણ આપી શકે છે. જેમાં ટાવર ફેન, કુલર અને બેસવા માટે સ્ટુલ પણ પુરા પાડશે. એક દિવસમાં કંપનીમાં 500થી 600 બેડ બનાવી શકાય છે.