વલસાડઃ માતાજીના શક્તિ પર્વની ઉજવણી કરવા અનેક લોકો ઉત્સાહિત છે. ત્યારે સરકારે કોરોનામાં ગરબા ઉપર પ્રતિબંધ મુક્યો છે, પરંતુ નવરાત્રીમાં અનુષ્ઠાનનું અને આરાધનાનુ અનેરું મહત્વ છે. શારદીય નવરાત્રીમાં કરવામાં આવતા મંત્રજપ અને યંત્ર અનુષ્ઠાન હોમ હવનો દ્વારા ઈચ્છીત ફળની પ્રાપ્તિ થતી હોય છે. આજે પણ શાસ્ત્રો મુજબ ઘરોમાં કરવામાં આવતા અનુષ્ઠાન દ્વારા સુખ, સમૃદ્ધિ, ધન, વૈભવની પ્રાપ્તિ થાય છે. એમાં પણ યંત્ર સાધના આજે પણ સફળ છે. જેના દ્વારા નવરાત્રીમાં કરવામાં આવતા પૂજા-હવનથી સુખ-સમૃદ્ધિ મળે છે.
રવિવારના રોજ વલસાડની મોગરવાડી ખાતે આવેલ શ્રી કલ્યાણ યંત્ર ઉપાસના કેન્દ્ર દ્વારા યોજાયેલ પત્રકાર પરિષદમાં કેન્દ્રના યંત્ર ઉપાસક જોશી મહારાજે જણાવ્યું કે, કળિયુગમાં આજે પણ યંત્ર સાધના સફળ છે. પણ એના માટે શ્રદ્ધા ખૂબ મહત્વની છે. તેમને કહ્યું કે દરેક વ્યક્તિ આજે કોરોના જેવી બીમારીથી ભયભીત છે. પણ પ્રકૃતિ સાથે જોડાયેલ લોકોને કોરોના થતો નથી. માત્ર બંગલામાં નિવાસ કરતા લોકોને જ કોરોનાએ ભોગ બનાવ્યા છે. ત્યારે આવનારું શક્તિનું પર્વમાં દરેક લોકોને સુખ સમૃદ્ધિ મળે એવા હેતુથી યંત્ર સાધના અને નવરાત્રી અનુષ્ઠાન કરવું જેથી જગતનું કલ્યાણ થાય છે.