વલસાડ નજીકથી વહેતી ઔરંગા નદીની નજીકમાં આવેલા લીલાપોર, ભદેલી, જગાલાલા, હનુમાન ભાગડા જેવા ગામોમાં ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે પાણી નદીમાં આવી જતા અનેક વખતે ગામોમાં પાણી ફરી વળતા હતા. આ સમસ્યાને પહોંચી વળવા માટે વહિવટી તંત્ર દ્વારા આગળથી ભૈરવી ગામે ઔરંગા નદીના બ્રીજ ઉપર અલ્ટ્રાસોનિક કેમેરો મૂકી એક વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી.
ઔરંગા નદીનું જળસ્તર વધતા તંત્રએ સાયરન દ્વારા આસપાસના ગામોને કર્યા એલર્ટ - Gujarati News
વલસાડઃ જિલ્લામાં ગઈ કાલ મોડી રાતથી પડી રહેલા મુશળધાર વરસાદને પગલે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાની પરીસ્થિતી ઉભી થઇ છે. જો કે વલસાડ વહિવટીતંત્ર દ્વારા વલસાડ નજીકથી વહેતી ઔરંગા નદી ઉપર અલ્ટ્રાસોનિક કેમેરા બ્રીજ ઉપર મૂકવામાં આવ્યા છે. જેને પગલે નદીનું જળસ્તર વધે તે પૂર્વે જ વલસાડમાં પાણી આવવાની ખબર પડી જતી હોય છે અને વહિવટીતંત્ર અનેક નીચાણવાળા ગામોને એલર્ટ કરી દે છે.

જેને પગલે જ્યારે પણ નદીમાં પાણીનું સ્તર વધે કે તુરંત જ વહીવટી તંત્રને તેની જાણ થાય છે અને પાણી વલસાડના નીચાણવાળા વિસ્તારો સુધી પહોંચે તે પૂર્વે જ આ તમામ ગામોને એલર્ટ કરી દેવામાં આવે છે. આ વિશેષ વ્યવસ્થાનો આજે લાભ થયો હતો. વહીવટીતંત્રને પાણી વધવાની ખબર પડતાં વહેલી સવારે ફાયરની ગાડીઓ ઔરંગા નદીના નજીકમાં આવેલા ગામોમાં ફેરવી સાયરન વગાડી તમામ ગામના લોકોને સર્તક કરવામાં આવ્યા હતા કે જેથી કરીને લોકો નદીના કિનારાથી દૂર રહે અને કોઈ જાનહાનિ બને નહીં. આજે વહેલી સવારે વલસાડ નગરપાલિકાની ફાયરની ગાડીઓ ધમદડી, છીપવાડ અને લીલાપોર જેવા ગામોમાં ફરી સાયરન વગાડીને લોકોને સર્તક કરાયા હતા.
નોંધનીય છે કે, વલસાડ જિલ્લામાં અવિરત પડી રહેલા વરસાદમાં આજે વહેલી સવારે 8થી 10માં 2 કલાકમાં જિલ્લામાં 7 ઇંચ જેટલો ભારે વરસાદ થયો હતો. જેને પગલે અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા.