વલસાડ : જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ આજકાલ ઘોર નિંદ્રામાં હોય એવું જણાઈ રહ્યું છે. ત્યારે કપરાડાના જીરવલ ગામે આવેલી 1થી 8 ધોરણની પ્રાથમિક સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકો પાસે ચાલુ શાળાએ સ્કૂલના રૂમાલ, ચાદરો ધોવા નદીએ મોકલવામાં આવતા હોવાનું બહાર આવ્યું છે. જેમાં સ્થાનિક અગ્રણીએ સ્કૂલ ઉપર હકીકત તપાસવા ગયા તો સ્કૂલ ઉપર બાળકો પાસે સ્કૂલ ધોવડાવી અને સાફ-સફાઈ કરાવવામાં આવતી હતી. વળી શિક્ષકોએ પણ અગ્રણી સાથે યોગ્ય વર્તન ન કર્યું હોવાનું આ અગ્રણીએ જણાવ્યું હતું.
આ અંગે સ્થાનિક સમાજિક કાર્યકર જયેંન્દ્ર ગાવીત જીરવલ ગામની મુલાકાતે ગયા હતા. તે સમયે ત્યા નદી ઉપર કેટલીક બાળાઓ સ્કૂલના યુનિફોર્મમાં કપડાં ધોઈ રહી હતી. તેમણે આ બાળાઓને પૂછતાં તેમણે કહ્યું કે, સ્કૂલના શિક્ષકો દ્વારા કેટલાક કપડાં ધોવા માટે નદી કિનારે મોકલી છે. જે બાબત જાણી ચોકી ગયેલા જયેંન્દ્રભાઈએ સ્કૂલ ઉપર જઇ તપાસ કરતા શિક્ષકો સ્કૂલ પર વિધાર્થીઓ પાસે ઝાડુ લઈને સાફ સફાઈ કરાવી રહ્યા હતા.