વલસાડઃ શહેરી વિસ્તારના લોકોને બાથરૂમમાં નળ ચાલુ કરો કે તરત પાણી મળી જતું હોય છે પણ પાણીની કિંમત શુ છે એ જાણવું હોય તો પૂછો ધરમપુર તાલુકાના ધામણી ગામના આ ત્રણ ફળીયાના લોકોને. જેઓને પીવાનું પાણી લેવા દોઢ કિલોમીટર દૂર ચાલીને સૂકાયેલી નાર નદીના પટમાં કોતરમાં ખાડા ખોદીને પાણી લેવા જવું પડે છે. અને આ કામમાં સૌથી વધુ દયનીય હાલત અહીંની મહિલાઓની થાય છે. પાણી ભરેલા બેડાં સાથે ટેકરી ઉપર દોઢ કિલોમીટર ચાલતાં જવું સામાન્ય વ્યક્તિ તો કરી જ ન શકે.
ધામણી ગામના લોકોને પૂછો શું છે એક ટીપું પાણીની કિંમત, 3 કિમી ચાલીને નદીના કોતરમાંથી ભરવું પડે છે પાણી - Water Issue
દક્ષિણ ગુજરાતમાં ચેરાપૂંજી તરીકે ઓળખાતા ધરમપુર અને કપરાડા જેવા ગામોમાં ઉનાળો શરૂ થતાં જ પીવાના પાણીની સમસ્યા સર્જાય છે. ધરમપુર તાલુકાના ધામણી ગામના ત્રણ ફળીયા જે ટેકરી ઉપર આવેલ છે ત્યાંના સ્થાનિક લોકોને પીવાનું પાણી લેવા 2 થી 3 કિમિ ચાલવું પડે છે. નદીના કોતરમાં બનાવેલ વેરીમાંથી પાણી ભરવાની ફરજ પડે છે. ફળીયાના લોકો રીક્ષા લઈ તેમાં ટાંકી મૂકી પાણી ભરવા નદી સુધી આવે છે

ધરમપુર તાલુકાના ધામણી ગામે આવેલ બાફલી પાડા, બોકાપાડા, અને ધાની ફળીયામાં અંદાજિત 300 પરિવાર વસે છે. એ ત્રણે ફળીયા નદીના પટથી દોઢથી ત્રણ કિલોમીટર દૂર આવેલ છે. મે માસ શરૂ થતાં જ અહીં હેન્ડપમ્પના પાણીના જળસ્તર નીચે ઊતરી જાય છે જેથી પાણી મળતું નથી. ત્યારે સ્થાનિકોને એકમાત્ર સહારો સૂકીભઠ્રઠ નાર નદીના પટમાં બનાવેલ વ્હેરીમાંથી વાટકા વડે પાણી ભરવાની ફરજ પડે છે અને મહિલાઓ ને ભરેલા બેડાં સાથે હિલ વિસ્તારમાં પગદંડીએ ચાલીને જવું પડે છે.
ધાની ફળીયાથી સવાર સાંજ રીક્ષામાં ટાંકી મૂકી પીવાનું પાણી ભરવા માટે આવતા ઈશ્વરભાઈએ જણાવ્યું કે દર વર્ષે સ્થિતિ આવી જ રહે છે અહીં સરકારે 586 કરોડની યોજના અમલ માં મૂકી છે પણ તેની કામગીરી ક્યારે પૂર્ણ થાય એ હજી કાઈ કહી શકાય એમ નથી. નોંધનીય છે કે કપરાડા અને ધરમપુરના ગામોમાં પીવાના પાણીની સમસ્યા દૂર કરવા સરકારે 586 કરોડની અસ્ટોલ યોજના મંજૂર કરી છે પણ હજી તેની કામગીરી માંડ શરૂ થઈ ત્યાં લૉક ડાઉન આવી જતાં બધું ખોરંભે ચડ્યું છે. લોકોની માગ છે કે પાણીની સમસ્યા દૂર કરવા સરકાર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવે.