ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા વાપીમાં ધમધમતા અને અવાર નવાર નિયમોનું ઉલ્લંઘન કરતા એકમો સામે નોટિસ ઓફ ડાયરેક્શન, નોટિસ અને ક્લોઝર નોટિસ પાઠવવામાં આવે છે. પ્રદુષણ છોડતી કંપનીઓ સામે કરોડો રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવે છે. પરંતુ તે બાદ પણ કંપનીના સંચાલકો પર્યાવરણ પ્રત્યે બેદરકાર રહેતા આવ્યા હોય એ સમગ્ર મામલે હવે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ અને ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ દ્વારા પ્રદુષણ મુદ્દે ગંભીર બની કડક કાર્યવાહી હાથ ધરી છે.
નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા હાલમાં વાપી GIDCમાં વર્ષ 2013થી કાર્યરત 218 જેટલી કંપનીઓમાં પ્રદુષણ અને પર્યાવરણની જાળવણી માટે એક પરિપત્ર સુપ્રત કરવામાં આવ્યો છે. જે માટે એક ખાસ કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટીને જે કંપનીને પર્યાવરણના મામલે પરિપત્ર પાઠવવામાં આવ્યો છે. તે કંપનીના સંચાલકોએ જરૂરી પુરાવા રજુ કરવા જણાવ્યું છે. આ પુરાવાના આધારે કમિટી જે તે કંપનીની જાણકારી NGTને મોકલશે અને તે બાદ NGT તે કંપની સામે પર્યાવરણ સંદર્ભે બનતી કાર્યવાહી કરશે.
નવાઈની વાત એ છે કે NGTના પરિપત્ર અને કમિટીની રચનાને લઈને ઉદ્યોગકારોમાં જાણે કંપનીને ક્લોઝર નોટિસ આપી હોય તેવો ફફડાટ ફેલાયો છે. આ પરિપત્ર મુદ્દે તડજોડની રાજનીતિ રમી નાખવાની તૈયારીઓમાં મચી પડ્યા છે. તો, વર્ષ 2013થી લઈને 2019 સુધીમાં એવી કેટલીયે કંપનીઓ છે જે બંધ હાલતમાં છે અથવા તેમના માલિક બદલાઈ ગયા છે. કંપનીમાં નામ પણ બદલાઈ ગયા હોવા છતાં જે તે જુના રેકર્ડ મુજબ આ પરિપત્ર પાઠવવામાં આવ્યો છે.