- સરીગામ GIDCમાં ટેમ્પો એસોસિએશનની દાદાગીરી
- કંપની સંચાલકે ટેમ્પો ભાડે ન કરતા માર માર્યો
- SIAના ઉદ્યોગકારોએ ઘટનાને વખોડી
સરીગામ (વલસાડ):- સરીગામ ઉદ્યોગમાંથી ટેમ્પોના ભાડા મામલે ટેમ્પો એસોસિએશન બનાવી એક ટેમ્પો દીઠ 1,000 રૂપિયા વસૂલવાના મામલે તેમ જ માલ નહીં ભરાવનારી કંપનીના કર્મચારીને માર મારી ધમકી આપતા ભિલાડ પોલીસ મથકમાં ઉદ્યોગપતિએ ફરિયાદ નોંધાવી છે. તો, આ ઘટનામાં સરીગામ GIDC ના ઉદ્યોગપતિઓએ પણ કાયદો હાથમાં લેનાર અને ઉદ્યોગપતિને ધમકાવનાર સામે કાયદાકીય પગલાં ભરવામાં આવે તે માટે બેઠક યોજી હતી.
કંપની સંચાલકે ટેમ્પો ભાડે ન કરતા માર માર્યો આ પણ વાંચો-રાજકોટમાં પોલીસ કચેરી સામે રીક્ષા ચાલકને ઢોર માર મરાયો, કોઈ કાર્યવાહી નહી
વલસાડ જિલ્લાના સરીગામ GIDCમાં ત્રણેક દિવસ પહેલાં 2 શખ્સે ઈન્ટિગ્રેટેડ કેમિસોલ કંપનીમાંથી V એક્સપ્રેસ ટ્રાન્સપોર્ટ કંપનીમાં માલ મોકલવા ગયેલા કર્મચારીને સ્થાનિક ટેમ્પો એસોસિએશનના જિતુ ભંડારી અને ઠાકોર નામના શખ્સે માર મારી માલ ખાલી કરવા દીધો નહોતો. તેમ જ કંપનીના માલિક ભાર્ગવ દેસાઈ અને મેનેજર કેયૂર દેસાઈને પણ ભાડા બાબતે ધમકી આપી હતી. ત્યારે આ મામલે ભિલાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ બાદ સરીગામ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ, સભ્યોએ એક બેઠક યોજી ટેમ્પો એસોસિએશનની દાદાગીરીને વખોડી હતી.
આ પણ વાંચો-કોરોનાકાળમાં હોસ્પિટલની દાદાગીરી : મરણ નોંધ ન કરતાં ત્રણ મહિને પણ મૃત્યુ પ્રમાણપત્ર મળ્યાં નથી
આવા તત્ત્વો સામે કાયદાકીય લડત લડીશું
સરીગામ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન (SIA) ખાતે ઉદ્યોગપતિઓએ SIA પ્રમુખ વી. ડી. શિવદાસન અને પૂર્વ પ્રમુખ શિરીષ દેસાઈ સામે આ ઘટનાને વખોડી ટેમ્પો એસોસિએશનના સભ્યો સામે કાયદાકીય પગલાં લેવાય તેવી માગ તમામ ઉદ્યોગકારોએ કરી હતી. આ અંગે પૂર્વ પ્રમુખ શિરીષ દેસાઈએ જણાવ્યું હતું કે, બેઠકમાં ભાર્ગવ દેસાઈની જેમ અન્ય ઉદ્યોગકારોને પણ ટેમ્પો એસોસિએશનના સભ્યોનો કડવો અનુભવ થયો છે. આ રીતે ભાડા બાબતે ધમકી આપવી, પાવતી આપી રૂપિયા ઉઘરાવવા એ બાબત ગંભીર છે. અમે આ અંગે ઉદ્યોગપતિ સાથે છીએ અને જે પણ કાયદાકીય લડત લડવી પડશે તો લડીશું.
ઉદ્યોગો માટે આદર્શ રાજ્ય મનાતા ગુજરાત માટે શરમજનક ઘટના
ધાકધમકીનો ભોગ બનનારા ભાર્ગવ દેસાઈએ જણાવ્યું હતું કે, દેશમાં ગુજરાતને ઉદ્યોગોના વિકાસ માટે આદર્શ રાજ્ય માનવામાં આવે છે. ત્યારે અહીં આ પ્રકારના ટેમ્પો માલિકો ભાડાં બાબતે પોતાના મનનું ધાર્યું કરવા એસોસિએશન બનાવી પોતાની શરતે ઉદ્યોગપતિઓને બાનમાં લેતા હોય તો તે દુઃખદ બાબત છે. આ અંગે તેમણે પોલીસ ફરિયાદ સાથે દેશના વડાપ્રધાન, ગુજરાતના મુખ્યપ્રધાન, પોલીસ અધિકારીઓને પણ લેખિતમાં ફરિયાદ કરી છે. આ રીતે રસીદ આપી પૈસા ઉઘરાવવા એ એક પ્રકારની ખંડણી જ કહેવાય અને એ માટે કર્મચારીઓને માર મારવો, ધાકધમકી આપવી એ ઉદ્યોગપતિઓ પર તરાપ મારવા સમાન છે.
કંપનીના કર્મચારીને માર મારી ધમકીઓ આપી
ઉલ્લેખનીય છે કે, સરીગામ GIDCમાં થોડા દિવસ પહેલાં જ ટેમ્પોમાલિકોએ એક એસોસિએશન બનાવી ઉદ્યોગકારોને આ એસોસિએશનના સભ્યોના ટેમ્પોમાં તેમણે નક્કી કરેલા સમયે અને નિયત ભાડામાં માલ મોકલવા જણાવ્યું હતું તેમ જ એક રસીદ બનાવી 1,000 રૂપિયા ઉઘરાવ્યા હતા. ત્યારબાદ કાયદો હાથમાં લઈ કંપનીના કર્મચારીને માર મારી ધમકીઓ આપી હતી. હાલ SIAના સભ્ય ઉદ્યોગકારોએ આ બાબતે ટેમ્પો એસોસિએશન, પોલીસ અધિકારી સાથે બેઠક કરી આ મામલે કાયદાકીય પગલાં ભરવામાં આવે તેવી માગ કરી હતી.