2008 થી સતત અમરનાથ ગુફા ખાતે બર્ફાની બાબાના દર્શને જતા ભોળાના ભક્તોના સંઘને વાપી રેલવે સ્ટેશને બમ બમ ભોલેના નાદ અને ગુલાબના ફૂલ આપી શુભયાત્રાની શુભકામના પાઠવવામાં આવી હતી. વાપી અને દમણના 15થી 20 યાત્રીઓ દર વર્ષે અમરનાથ ખાતે બાબાના દર્શને જાય છે. જેમાં આ વખતે 15 વર્ષથી 75 વર્ષના 15 યુવાનો તેમજ વડીલો આ યાત્રામાં જોડાયા છે. જેઓને વાપી રેલવે સ્ટેશને તેમના પરિવારના લોકોએ શુભેચ્છા પાઠવી પ્રસ્થાન કરાવ્યું હતું.
2008 થી અમરનાથ યાત્રાએ જતાં દમણના રાજુ પટેલે જણાવ્યું હતું કે, દર વર્ષે અમે 20 થી 25 શ્રદ્ધાળુઓ બાબાના દર્શને જઈએ છીએ. બાબાની કૃપાથી અમારી આ યાત્રા દર વર્ષે સુખમય રીતે પુરી થાય છે. યાત્રામાં વરસાદની દુવિધા દર વર્ષે હોય છે. તેમ છતાં અમે હિંમતથી અમારી યાત્રા પુરી કરીએ છીએ અને બાબાના દર્શન કરીએ છીએ. દર વખતે યાત્રા કરીને આવીએ છીએ જે બાદ દર વર્ષે ફરી યાત્રા કરવાનું મન થાય છે અને અમે દર વર્ષે આ રીતે ગ્રુપમાં બાબાના દર્શને જઈએ છીએ.