વલસાડ: વાપી ટાઉન પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ 28મી એપ્રિલ મંગળવાર સાંજના સમયે પોલીસની એક ટીમ નામધા વિસ્તારમાં ચેકિંગમાં હતી. ત્યારે બાતમી મળી હતી કે, એક લાલ કલરની ઈન્ડીકા કારમાં દમણીયા દારૂનો જથ્થો ભરીને 4 જેટલા ઈસમો વલસાડ તરફ જઈ રહ્યા છે.
મળેલી બાતમી આધારે વાપી ટાઉન પોલીસ મથકની ટીમે લાલ કલરની ઈન્ડિકા કાર નંબર GJ-15-DD-7358ને ઉભી રખાવી ચેકિંગ કરતા કાર પર ઈમર્જન્સી ડ્યુટીનું સ્ટીકર મારી કાર ચલાવનારા ડ્રાઈવર જીગ્નેશ સંજયસીંહ ચૌહાણ, પ્રણવ વિનોદ પટેલ, જીગર વિનોદ પટેલ રહેવાસી વલસાડ અને પ્રિયંક ઉર્ફે પિયુ નામનો ઈસમ કારમા બેસેલા મળી આવ્યા હતો.
વલસાડ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા કર્મચારીઓ પાસેથી મળ્યો દારૂ પોલીસે કારમાં તપાસ કરતા પાછળના ભાગેથી CNG બોટલની પાછળથી 12 બોટલ દારૂની મળી આવી હતી. પોલીસે એક બોટલની 800 રૂપિયા કિંમત મુજબ 9600નો દારૂ અને એક લાખની કાર તેમજ 28,500 રૂપિયાના મોબાઈલ સાથે ચારેય ઈસમોની અટક કરી વધુ પૂછપરછ કરતા આ દારૂ શંકર નામના ઈસમે દમણથી પિયુને પૂરો પડ્યો હોવાની વિગતો મળી હતી. પોલીસે વધુ તપાસ સાથે પિયુના નામધા વાળા ઘરે તપાસ કરતા તેમના ઘરેથી વધુ એક બોટલ મળી હતી.
વલસાડ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા કર્મચારીઓ પાસેથી મળ્યો દારૂ પકડાયેેેલા ઈસમોની વધુ પૂછપરછ કરી અંગ જડતી લેતાં જીજ્ઞેશ પાસેેથી વિશ્વા એન્ટેપ્રાઇઝ કોન્ટ્રાક્ટ, મેડિકલ કોલેજ હોસ્પિટલ વલસાડનું આઈકાર્ડ મળી આવ્યું હતું. જેમાં તેમનો હોદ્દો મેડિકલ ક્લાર્ક તરીકેનો લખ્યો હતો, પ્રણવ વિનોદ પાસેથી આવશ્યક સેવા સિવિલ હોસ્પિટલ વલસાડના સ્ટાફનું આઈકાર્ડ મળ્યું હતું. જે સેનેટરી ઈન્સ્પેક્ટર તરીકેના હોદ્દાનું એક્સપાયરી ડેટ વાળું કાર્ડ હતું, જીગર વિનોદ પટેલ પાસેથી જનરલ ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેર સુપરવાઇઝરનું આઈકાર્ડ મળી આવ્યું હતું. આ ત્રણેય ઈસમો વલસાડથી નામધા ગામે રહેતા પિયુ પાસેથી આ દારૂનો જથ્થો લઇ તેમના ઘરે પીવાના હતાં. દારૂ પૂરો પાડનારો પિયુ ડ્રાઈવર છે.
પોલીસે તમામ ચારેય ઈસમોની ધરપકડ કરી તેમની પાસે રહેલી કુલ 13 બોટલ દારૂ કિંમત 10,600, એક કાર કિંમત રૂપિયા 1 લાખ, અને 28,500ના મોબાઈલ, સાથે કુલ 1,39000નો મુદ્દામાલ જપ્ત કરી કલમ 65(AA), 81,98(2) મુજબ અને કલમ 188 અને 135 મુજબ કોર્ટમાં રજૂ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જો કે, જિલ્લામાં વલસાડ સિવિલ હોસ્પિટલનો સ્ટાફ જ દારૂની પાર્ટી માટે દારૂની બોટલો સાથે પકડાઈ જતા જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે.