વલસાડ:લોકડાઉનમાં લૌકિકપ્રથા બંધ હોવાને કારણે પિતાના મૃત્યુ બાદ 12માં દિવસે લોકડાઉનમાં ફસાયેલા આશ્રિતોને ભોજન અને સાડીનું વિતરણ કરી એક પુત્રએ સમાજ સમક્ષ અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
વૈશ્વિક મહામારી કોરોનાને કારણે સમગ્ર દેશભરમાં લોકડાઉન છે. ત્યારે આવા સમયમાં કોઈકનું અવસાન પણ થાય તો તેની અંતિમવિધિ માટે માત્ર 20થી વધુ લોકોને સોશિયલ ડિસ્ટન્સ રાખીને અંતિમવિધિમાં જોડાવામાં કહેવામાં આવે છે. તો સાથે જ અવસાન થયા બાદ રાખવામાં આવતા લૌકીક રિવાજો પણ હાલમાં બંધ જેવી હાલતમાં છે તારે વલસાડ જિલ્લાના એક પુત્રએ તેના પિતાના અવસાન બાદ લૌકિક રીવાજો બંધ હોવાને કારણે વલસાડમાં લોકડાઉનમાં ફસાયેલા લોકોના આશ્રિતોના કેમ્પમાં પિતાના સ્મરણાર્થે વિશેષ ભોજનની વ્યવસ્થા કરી હતી તો સાથે જ આ લોકડાઉનમાં રાખવામાં આવેલા 170 થી વધુ આશ્રિતો પૈકીની મહિલાઓને સાડી પણ ભેટ આપી હતી.
દેવાનંદ ભાઈ રાવલીયાના પિતાશ્રી મેરામણ ભાઈ રવાલીયા તારીખ 21 -4 -2019ના રોજ દેવલોક પામ્યા હતા. લોકડાઉનના સમયમાં લૌકિક રિવાજો બંધ હોવાને કારણે તેમની વિધિઓ થઈ શકે તેમ ન હતી ,તેમજ ઉત્તર ક્રિયામાં પણ દાન પુણ્યનું ખૂબ જ મહત્વ હોય ત્યારે એક પુત્ર એ પોતાના પિતાને ઉત્તર ક્રિયા કંઈક અલગ રીતે કરવા માટેનું વિચાર્યું હતું. જેને લઇને વલસાડ શહેરના કન્યા કુમાર છાત્રાલય ખાતે ફસાયેલા આશ્રિતો તેમજ કેટલાક નિઃસહાય લોકો માટે ભોજનની વ્યવસ્થા કરી હતી અને તે પૈકીની કેટલીક મહિલાઓને સાડીઓ તેમજ હનુમાન ચાલીસાની બુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ રિવાજ બંધ હોવા છતાં પણ એક પુત્રએ પોતાના પિતાના સ્મરણાર્થે કંઈક અલગ જ રીતે દાન પુણ્ય કરી લોકો સમક્ષ એક અનોખુ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
વલસાડમાં આવેલા કન્યા કુમાર છાત્રાલય ખાતે વલસાડ નગરપાલિકાના હસ્તક આશ્રિતો માટે સ્થાન બનાવવામાં આવ્યું છે જ્યાં આગળ ૧૭૦ થી વધુ આશ્રિતોને રહેવા-જમવાની સગવડ ઊભી કરાઇ છે જે છેલ્લા એક માસથી સતત કાર્યરત છે આજે આ કાર્યક્રમ દરમિયાન પતંજલિ યોગપીઠ વલસાડ પ્રીતિ પાંડે તેમજ તેમની સાથે કેટલાક કાર્યકરો પણ જોડાયા હતા.