કપરાડાઃ કપરાડા બેઠક ઉપર અઢી ટર્મ બાદ કોંગ્રેસના આંતરિક વિવાદને પગલે ચાલુ ધારાસભ્યે કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધું હતું. કોંગ્રેસના ધારાસભ્ય જીતુ ચૌધરી ભાજપમાં જોડાઈ ચૂક્યા છે એટલે હવે કોંગ્રેસ નેતૃત્વ વિહીન બની ગઈ હોવાથી કોંગ્રેસમાં ઉમેદવારી કરવા લાંબી લાઈન જોવા મળી રહી છે. હાલમાં કોંગ્રેસના 9 સંભવિત ઉમેદવારોના નામ ચર્ચામાં હતા પણ સમય જતા હવે માત્ર નામશેષ 3 જ ઉમેદવારોના નામ ચર્ચાઈ રહ્યા છે. જોકે ઉમેદવારી ફોર્મ ભરવાની તારીખ 16 ઓક્ટોબર નજીક આવી રહી છે છતાં આજ દિન સુધી કોંગ્રેસે પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા નથી. ઉમેદવારો અને કાર્યકર્તાઓ તો પ્રચારનું શ્રીફળ હાથમાં લઈને ઊભા છે. તેઓ રાહ જોઈ રહ્યા છે કે જો હાઈકમાન્ડ નામો જાહેર કરે તો ઉમેદવારના નામનું શ્રીફળ વધેરીને પ્રચારનો શુભારંભ કરીએ.
કપરાડા કોંગ્રેસમાં ઉમેદવારોનું નામ જાહેર ન થતા પ્રચારને લઈ કાર્યકર્તાઓ મુંઝાયા
કપરાડા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ હાઈ કમાન્ડે કોંગ્રેસના ઉમેદવારનું નામ જાહેર ન કર્યું હોવાથી સંભવિત ઉમેદવારોમાં અનેક કાર્યકર્તાઓમાં મૂંઝવણમાં મુકાઈ ગયા છે. ઉમેદવારો અને કાર્યકર્તાઓની સમજ નથી પડી રહી કે પ્રચાર કોના નામે કરવો. કાર્યકર્તાઓ તો પ્રચાર કરવા માટે તૈયાર જ છે. હવે હાઈ કમાન્ડ નામ જાહેર કરે તો કાર્યકર્તાઓ પ્રચારનો પ્રારંભ કરે. કોંગ્રેસમાં અત્યારે 3 ઉમેદવારના નામો ચર્ચામાં ચાલી રહ્યા છે.
હાલમાં ઉમેદવારોને એ જ સમજાતું નથી કે મતદારો પાસે કયા ઉમેદવારના નામે વોટની માગણી કરીએ. જોકે દરેક કોંગ્રેસી સંભવિત ઉમેદવાર પોતાનું નામ નિશ્ચિત હોવાનું જણાવી દરેક બેઠકોમાં હાજરી આપી રહ્યા છે, પરંતુ અંદરો અંદર કોંગ્રેસમાં પડેલા બે જૂથ એ સ્પષ્ટપણે કોંગ્રેસની બગડતી જતી સ્થિતિ દર્શાવી રહી છે. આ સાથે હાઈ કમાન્ડ નામ જાહેર ન કરતું હોવાથી ઉમેદવારોને ચેન નથી પડી રહ્યું. જો નામો 13 કે 14 ઓક્ટોબરના રોજ જાહેર થાય તો પણ પ્રચાર કાર્ય આરંભ કરવા ખૂબ ઓછા દિવસો મળશે તો નારાજ ઉમેદવારને સાચવવા પણ આ વખતે ચૂંટણીમાં કોંગ્રેસ માટે કઠિન બનશે.
કોંગ્રેસમાં હાલમાં 3 ઉમેદવારના નામો સંભવિત તરીકે ચર્ચામાં ચાલી રહ્યા છે, જેમાં બાબુ વરઠા જેઓ સરપંચ તરીકે મોટા પોઢાથી ચૂંટાઈ આવ્યા બાદ પાર્ટીમાં પ્રમુખ સુધીની કામગીરી બજાવી ચૂક્યા છે. તેઓ હાલમાં જ ભાજપથી છેડો ફાડી કોંગ્રેસમાં આવ્યા છે. જ્યારે હરિશ પટેલ તેઓ પણ બાલચોંડી ગ્રામ પંચાયતમાં અપક્ષ તરીકે ચૂંટણી લડીને વિજય થયા બાદ કોંગ્રેસમાં જોડાયા હતા. છેલ્લા 12 વર્ષથી કોંગ્રેસમાં સક્રિય છે. જ્યારે પૂર્વ કેબિનેટ પ્રધાન અને પૂર્વ ધારાસભ્યના પુત્ર વસંત બરજુલભાઈ પટેલ જેઓ પૂર્વ તાલુકા પંચાયત સભ્ય અને યુથ કોંગ્રેસના જનરલ સેક્રેટરી પણ રહી ચૂક્યા છે ત્યારે આ ત્રણ ઉમેદવારો પૈકી કોંગ્રેસ હવે આગામી દિવસમાં કોનું નામ જાહેર કરે એના ઉપર સૌની નજર છે.
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ છોડીને ભાજપનો છેડો પકડનારા કોંગ્રેસી ઉમેદવારોને ભાજપે ટિકિટ આપી છે. હવે કોંગ્રેસની છાવણીમાં પણ ચહલપહલ શરૂ થઈ ચૂકી છે પણ ત્રણ નામો પૈકી કોના નામે પ્રચાર કરવો તેને લઈને કાર્યકરો મુંઝવણમાં છે.