- વેપારીનું અપહરણ કરી, લૂંટ ચલાવી, ખંડણી માંગનારાઓ ઝડપાયા
- મારવાડી વેપારીઓને જ પોતાનું નિશાન બનાવતા હતા
- સુરતના વેપારીને લૂંટે તે પૂર્વે વલસાડ પોલીસે 5ને ઝડપી લીધા
વલસાડ :વાપીમાં એક વેપારીને પાંચ ઠગ લોકોએ અપહરણ કરીને પિવાર પાસેથી 50 લાખની ખંડણી માંગી હતી. આ ઘટનામાં ફરિયાદ કરવામાં આવતા જિલ્લા પોલીસ હરકતમાં આવી હતી અને ઘટનાની ગંભીરતાને જોતા તાત્કાલીક સર્વે અને ટેકનીકલ એનાલિસિસ બાદ વિવિધ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો, ત્યારે પોલીસ દ્વારા આ પ આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે.
શું હતી ઘટના ?
વાપીમાં બેગની દુકાન ધરાવતા કરણસિંહ નામના વેપારીની દુકાનના વેચાણ અર્થે તેણે ફેસબુક ઉપર પોષ્ટ મૂકી હતી, જેના નંબર ઉપર જીતુસિંગએ ફોન કરી તેઓ દુકાન અને ફ્લેટ ખરીદી કરવા માંગે છે, તે જણાવીને વાપી ખાતે રૂબરૂ મળવા માટે આવ્યા હતા અને 5 લાખનો ચેક પણ આપી દસ્તાવેજ બે દિવસમાં કરીશું કહી ચાલ્યા ગયા હતા. આ બાદ બીજા દિવસે આવી દસ્તાવેજ સુરત ખાતે કરવા પડશે તમે સુરત આવો કહીને કરણસિંહને કારમાં બેસાડી અપહરણ કરી ગયા હતા. તેમને રસ્તામાં માર મારી તેના ખિસ્સામાંથી 42000 રોકડા અને ATM માંથી 80 હજાર કાઢી લીધા બાદ બન્ને મોબાઈલ લઈ લીધા હતા અને તેમના પરિવારને ફિરોતી માટે ફોન કરી 50 લાખની ખંડણી માંગી હતી, પરંતુ બાદમાં કરણસિંહને અંકલેશ્વર ખાતે છોડીને જતા રહ્યા હતા, જે બાદ કરણસિંહે કોઈ દુકાનદાર પાસેથી ફોન લઈ હકીકત અંગે જાણકારી આપ્યા બાદ વાપી આવી પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે ગંભીરતા દાખવી તપાસ હાથ ધરી હતી
GIDC પોલીસ મથકમાં કરણસિંહે અંગે લૂંટ અને અપહરણની ફરિયાદ નોંધાવ્યા બાદ, વલસાડ જિલ્લા પોલીસ હરકતમાં આવી હતી. આ ઘટનાની ગંભીરતાને જોતા તાત્કાલીક સર્વે અને ટેકનીકલ એનાલિસિસ બાદ વિવિધ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આ ઘટનામાં ઉપયોગમાં લેવામાં આવેલી ભાડેથી લીધેલી કાર ધવલ વ્યાસ નામના ચાલકે લીધી હોવાનું બહાર આવ્યું હતું અને તેની તપાસ શરૂ કરતાની સાથે આ ઘટનામાં સંડોવાયેલા પાંચ આરોપી પોલીસના હાથે ચડી ગયા હતા.