વલસાડ: સેગવી ગામે આવેલા સુથારવાડ વિસ્તારમાં રહેતા હંસાબેન હીરાલાલ મિસ્ત્રી અને તેમની પુત્રી મીનાક્ષી મિસ્ત્રી પર તેમના ઘરમાં બાજુમાં રહેતા ઈસમ દ્વારા લાકડા જેવા હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ઇસમે મીનાક્ષી પર પાછળથી લાકડાના હથિયાર વડે હુમલો કર્યો હતો. તે બાદ મીનાક્ષીબેનને બંધક બનાવીને આરોપી યુવકે માતા હંસાબેન મિસ્ત્રી પર લાકડાના પાટલા વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધા હતા. ત્યારબાદ બંને મહિલાના દાગીનાની લૂંટ કરી ફરાર થઇ ગયો હતો.
વલસાડના સેગવી ગામે પાડોશી યુવકે માતાને મોતને ઘાટ ઉતારી, પુત્રીને મારમારી લૂંટ કરી ફરાર - વલસાડ લૂંટ વિથ મર્ડર
વલસાડના સેગવી ગામે માતા પુત્રીને બંધક બનાવીને માતાને મોતને ઘાટ ઉતારી પાડોશી યુવક લૂંટ કરી ફરાર થઇ ગયો હતો. જે ઘટનાને પગલે વલસાડ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ઘટનાની ગંભીરતા જોઇને સ્થળની તપાસ કરી ઘટનાનો તાગ મેળવી આરોપી યુવકને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.
આ ઘટનાના થોડા સમય બાદ બંધક બનાવેલ મીનાક્ષીબેન મિસ્ત્રી ભાનમાં આવતા તેમણે બુમાબુમ કરતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. જે ઘટનાને પગલે બંનેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં માતા હંસાબેન મિસ્ત્રીને ફરજ પરના ડોકટરે મૃત જાહેર કર્યા હતા. જે ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને વધુ તપાસ હાથ ધરી હતી.
જ્યારે મીનાક્ષીબેન સ્વસ્થ થતા તેમણે પોલીસને જણાવ્યું હતું કે, પાડોશમાં રહેતા યુવક દ્વારા તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. તેમજ દાગીનાની લૂંટ ચલાવી તે ફરાર થઇ ગયો હતો. જેને લઈને વલસાડ પોલીસે આરોપી ઈસમને પકડી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.