વલસાડઃ જિલ્લાના કપરાડા તાલુકામાં કપરાડા મુખ્ય મથક ખાતે આવેલા કોમ્યુનિટી હોલમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા તેમની નવી કમિટીની રચના કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન અભ્યાસ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના વલસાડ જિલ્લાના સંયોજક કેવિન પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની કામગીરી અને તેની કાર્ય પદ્ધતિ વિશે હાજર રહેલા તમામ યુવાનોને જાણકારી આપવામાં આવી હતી.
કપરાડામાં ABVP દ્વારા નવી કારોબારીની કરાઇ રચના - NSUI
કપરાડા કોમ્યુનિટી હોલ ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા અભ્યાસ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાથે નવી કારોબારી કમિટિની રચના પણ કરવામાં આવી હતી. જેમાં કપરાડા તાલુકાના નગર મંત્રી તરીકે સતીશ કામની નિમણૂક કરવામાં આવી હતી અને તેમની સાથે અન્ય હોદ્દાઓ ઉપર પણ કમિટીમાં વિવિધ સભ્યોની નિમણૂક કરવામાં આવી હતી.
આ ઉપરાંત આગામી દિવસમાં કપરાડા તાલુકાના વિદ્યાર્થીઓને પડતી વિવિધ મુશ્કેલીઓનું સમાધાન કરવા તેમજ વિવિધ સ્થળો પર તેની યોગ્ય રજૂઆત કરવા માટે કપરાડા તાલુકાની એક નવી સમિતિની રચના કરી હતી. જેમાં કપરાડા તાલુકાના નગર મંત્રી તરીકે સતિષભાઈ કામલીની નિમણૂક કરાઇ હતી.
મહત્વનું છે કે થોડા દિવસ અગાઉ NSUI દ્વારા વલસાડ જિલ્લાના પ્રમુખ પદ માટે કપરાડા તાલુકાના દશરથભાઈની નિમણૂક કરાઈ હતી. તો આગામી દિવસમાં આવી રહેલી કપરાડા તાલુકા વિધાનસભાની ચૂંટણીને લઈને દરેક પક્ષો દ્વારા રાજકીય ચહલ પહલ ચાલી રહી છે. જેને અનુલક્ષી હવે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પણ કપરાડા તાલુકા મથક સુધી પહોંચી ગયું છે અને તેમણે હાલમાં જ નવી સમિતિની રચના કરી છે. જેનો સીધો ફાયદો આગામી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી પક્ષને મળશે.