- વાપી સહિત વલસાડ જિલ્લામાં AAP પાર્ટીનો જન-સંવેદના કાર્યક્રમ
- વાપીમાં ગોપાલ ઇટાલિયાએ કોરોનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી
- આમ આદમી પાર્ટીએ જન-સંવેદના સાથે ભાજપ પર કર્યા પ્રહાર
વાપી: ફોર્ચ્યુન મેગા મોલ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા જન-સંવેદના મુલાકાત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગણતરીના કાર્યકરોની હાજરીમાં આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત ગોપાલ ઇટાલિયાએ વાપી તાલુકામાં કોરોનાના કારણે મૃત્યુ પામેલા 14 મૃતાત્માઓને શ્રદ્ધાંજલિ આપી ભાજપ પર પ્રહાર કર્યા હતા. વર્ષ 2022માં આમ આદમી પાર્ટીની સરકાર ગુજરાતમાં બને તે માટે ઉપસ્થિત કાર્યકરો વધુમાં વધુ લોકોને AAPમાં જોડે તે માટે કામે લાગી જવા આહ્વાન કર્યું હતું.
વલસાડ જિલ્લામાં AAP પાર્ટીનો જન-સંવેદના કાર્યક્રમ જન-સંવેદના મુલાકાત કાર્યક્રમનું આયોજન કરાયું હતું
આ પ્રસંગે ગોપાલ ઇટાલિયાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, વાપી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા જન-સંવેદના કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ આયોજનના માધ્યમથી કોરોના દરમિયાન ભાજપ સરકારની નિષ્ફળતાના કારણે જે પરિવારના સ્વજનો મૃત્યુ પામ્યા છે. તે મૃતાત્માઓને શ્રદ્ધાંજલિ અને પરિવારને સાંત્વના પાઠવવામાં આવી રહી છે.
વલસાડ જિલ્લામાં AAP પાર્ટીનો જન-સંવેદના કાર્યક્રમ AAP પાર્ટીનું દબાણ વધતા ભાજપે મુખ્યપ્રધાન બદલ્યા
સમગ્ર ગુજરાતમાં બે મહિનાથી આમ આદમી પાર્ટી દ્વારા જન સંવેદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં આ કાર્યક્રમને લોકોએ સ્વીકાર્યો છે. AAP પાર્ટી સાથે લોકો જોડાઇ રહ્યા છે જેથી આમ આદમી પાર્ટી ગુજરાતમાં મજબૂત પાર્ટી બની રહી છે. જેનું દબાણ વધતા ભાજપ સરકારે ગુજરાતમાં તેની નિષ્ફળતા છુપાવવા હાલમાં જ મુખ્યપ્રધાનનું રાજીનામું લઈ લીધું છે, તેમ ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું.
ભાજપની નિષ્ફળતાના કારણે રાજકારણ રમવાનો સમય આવ્યો
વધુમાં ગોપાલ ઇટાલિયાને જ્યારે સવાલ કરવામાં આવ્યા હતાં કે, કોરોનાના મૃતાત્માઓને શ્રદ્ધાંજલિ આપવાના નામે AAP પાર્ટી પોતે રાજકારણ નથી રમતી? શુ આ જન-સંવેદના કાર્યક્રમ દ્વારા વર્ષ 2022નો ચૂંટણી પ્રચાર નથી? કાર્યક્રમમાં કોરોનાના ત્રીજા વેવને આમંત્રણ નથી આપતા? તો તે સવાલના જવાબમાં ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે, જો ભાજપ સરકારે કોરોનાના બીજા વેવ દરમિયાન હોસ્પિટલમાં પૂરતા ઇન્જેક્શન, બેડ, ઓક્સિજન વેન્ટિલેટર પુરા પાડ્યા હોત તો આમ આદમી પાર્ટીએ આ કાર્યક્રમ કરવાની જરૂર જ ના પડત અને રાજકારણ રમવાનો કોઈ સવાલ જ ના આવતો.
વલસાડ જિલ્લામાં AAP પાર્ટીનો જન-સંવેદના કાર્યક્રમ ગુજરાતમાં AAP પાર્ટીની સરકાર બને તે જરૂરી છે
ગોપાલ ઇટાલિયાએ કબુલ્યું હતું કે, આ 2022ની તૈયારી છે અને તે ચોક્કસ હોવી જોઈએ. કેમ કે ભાજપના ગુજરાતમાં 27 વર્ષના શાસન બાદ પણ પ્રજા પીડાઈ રહી છે. મોંઘવારીએ માજા મૂકી છે, ત્યારે 2022માં ગુજરાતની જનતા AAP પાર્ટીને સ્વીકારે, ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બને તે જરૂરી છે અને વિપક્ષ તરીકે તેની આ ફરજ છે જે તે નિભાવે છે.
આમ આદમી પાર્ટી બહેરા કાનને ઢંઢોળવાનું કાર્ય કરે છે
ગોપાલ ઇટાલિયાએ ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ભાજપ રાજકારણ રમી રહ્યું છે, લોકોના ધંધા રોજગાર તૂટી ગયા છે. બેરોજગારી વધી છે. જે સરકાર એક મહિના પહેલા રૂપાણી સરકારના પાંચ વર્ષના સુશાસનની ઉજવણી કરતી હતી. મુખ્યપ્રધાનના વખાણ કરતા થાકતા નહોતા તે સરકારને અચાનક મુખ્યપ્રધાન બદલવાની જરૂર કેમ પડી. ભાજપના લોકો રાજકારણ કરે છે. જ્યારે આમ આદમી પાર્ટી બહેરા કાનને ઢંઢોળવાનું કાર્ય કરે છે.
સંવેદનાના નામે AAP પાર્ટીની મોઢાવાળી વાત
ઉલ્લેખનીય છે કે, જ્યારે કોરોનાના ત્રીજા વેવની સામે લડવા સરકાર આયોજન કરી રહી છે, ત્યારે આમ આદમી પાર્ટી કોરોનામાં મૃત્યુ પામેલા મૃતાત્માઓ કુલ કેટલા તેનો સાચો આંકડો શોધવાના નામે આમ આદમી પાર્ટીમાં કાર્યકરોને જોડવા નીકળી પડી છે. શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં અન્ય પક્ષના કાર્યકરોને પાર્ટીમાં સામેલ કરી રહી છે. દિલ્હી સરકારની કેજરીવાલની વિકાસની ગાથાઓ પર ભાષણબાજી કરી રહ્યા છે અને નિષ્ણાતો કોરોનાના ત્રીજા વેવ અંગે જે અમલ કરવાનું કહેશે એમાં સપોર્ટ આપવાની બેમોઢાવાળી વાતો કરતી પણ જોવા મળી હતી.