- વાપીથી સગીરાને લગ્નની લાલચે લઈ ગયો હતો યુવક
- ટાઉન પોલીસે વેસ્ટ બંગાળથી ઝડપી પાડ્યો
- પોલીસે પોક્સો હેઠળ કાર્યવાહી હાથ ધરી
વલસાડ: વાપીમાંથી એક સગીર બાળાને લલચાવી ફોસલાવી વેસ્ટ બંગાળ લઈ જઈ તેની સાથે શરીર સબંધ બાંધનારા યુવકને વાપી ટાઉન પોલીસે વેસ્ટ બંગાળથી દબોચી લઈ આગળની તપાસ હાથ ધરી છે.
વાપીથી સગીરાને લઈને ભાગેલો યુવક વેસ્ટ બંગાળ ઝડપાયો આરોપી 26 ઓક્ટોબરે સગીરાને લઇને ફરાર થયો હતો
ગત 26 એક્ટોબર 2020ના રોજ વાપી ટાઉન પોલીસ મથકમાં આરોપી અમનઅલી મનુઆરઅલી વિરુધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાં એક સગીર બાળાને લગ્ન કરવાની લાલચ આપી, લલચાવી ફોસલાવી તેના માતા-પિતાનાં કાયદેસર વાલીપણામાંથી અપહરણ કરી વાપીથી વેસ્ટ બંગાલ લઈ ગયો હોવાનું જણાવાયું હતું.
સગીરાના પિતાએ નોંધાવી હતી ફરિયાદ
આ ફરિયાદ આધારે વાપી ટાઉન પોલીસે આરોપી વિરુદ્ધ IPC કલમ 363, 366,376(2)(N), 114 તથા પોકસો એક્ટ કલમ 4,5, (L) , 6 મુજબનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જેમાં સગીરાનું અપહરણ કરનારો યુવક અમન અલી મનુઆરઅલી વેસ્ટ બંગાલના નોર્થ 24, પરગણા જીલ્લા ખાતે ખરદા વિસ્તારમાં હોવાની બાતમી મળતા એક ટીમને વેસ્ટ બંગાળમાં મોકલી આરોપીની ધરપકડ કરી હતી. ત્યારબાદ આરોપીને વેસ્ટ બંગાલ કોર્ટમાં રજુ કરી ટ્રાન્ઝિસ્ટ રિમાંડ મેળવી વાપી ટાઉન પોલીસ સ્ટેશને લઈ આવી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
સગીરા સાથે યુવકે બાંધ્યા હતા શરીર સબંધ
આરોપીએ સગીરાને ભગાડી લઈ ગયા બાદ સગીરા સાથે અનેકવાર શરીર સબંધ બાંધ્યા હોવાથી પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. આ સાથે જ પોલીસે યુવકના કબ્જામાંથી છોડાવેલી સગીરાને તેમના માતા-પિતાના હવાલે કરી છે.