- વલસાડથી મધ્યપ્રદેશ જઈ રહેલા યુવક પર ચપ્પુથી હુમલો
- કડોદરા પાસે અજાણ્યા શખસે યુવકને ચપ્પુના ઘા માર્યા
- માતાની તબિયત ખરાબ હોવાથી યુવક જતો હતો મધ્યપ્રદેશ
બારડોલી: સુરત જિલ્લાના કડોદરા નજીકથી પસાર થઈ રહેલા યુવક પર કોઈ અજાણ્યા શખસે હુમલો કર્યો હતો. એટલે યુવકને કડોદરાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. યુવક વાપીથી નીકળી મધ્યપ્રદેશના સીધી જિલ્લામાં આવેલા પોતાના ગામ જવા નીકળ્યો હતો ત્યારે કડોદરા પહોંચ્યા બાદ અકડામુખી હનુમાન મંદિરે દર્શન કર્યા હતા, જ્યાં યુવકને કોઈ અજાણ્યા શખસે પાછળથી આવી એકાએક ગળાના ભાગે ચપ્પુના ઘા મારી નાસી છૂટ્યો હતો. આ અંગે મળતી માહિતી અનુસાર મૂળ એમપી અને હાલ વાપી ખાતે રહેતો 21 વર્ષીય યુવક સંજય રમેશભાઈ ભુજવા એક પ્લાસ્ટિકની મિલમાં છૂટક મજૂરી કામ કરે છે.
વાપીથી મધ્યપ્રદેશ જઈ રહેલા યુવક પર અજાણ્યા શખસે ચપ્પુથી હુમલો કર્યો
માતાની તબિયત નાજૂક હોવાથી બનારસની હોસ્પિટલમાં દાખલ છે
બે દિવસ પહેલા તેના વતન મધ્યપ્રદેશના સીધી જિલ્લાના સર્વેચા ગામે રહેતી તેની માતાની તબિયત ખરાબ થતાં બનારસની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ સમાચાર મળતા યુવક મંગળવારે મધ્યપ્રદેશ જઈ રહ્યો હતો. ખાનગી વાહનમાં યુવક સુરતના કડોદરા ચાર રસ્તા સુધી આવ્યો હતો. જ્યાંથી તે મહારાષ્ટ્ર થઈ મધ્યપ્રદેશ જવાનો હતો.
મંદિરમાં દર્શનમાં મળેલા અજાણ્યા શખસે જ કર્યો હુમલો
કડોદરા ચાર રસ્તા પાસે આવેલા અકડામુખી હનુમાનજી મંદિરમાં યુવક દર્શન કરવા માટે ગયો હતો. જ્યાં એક અજાણ્યો શખસ પણ દર્શન માટે આવ્યો હતો અને તેને ફૂલના ભાવ પૂછ્યા હતા. ત્યારબાદ ત્યાંથી નીકળી નજીકમાં આવેલા ખૂલ્લા મેદાનમાં ગયો તે સમયે અચાનક મંદિરમાં મળેલો અજાણ્યો શખસ પાછળથી ધસી આવ્યો હતો અને ધારદાર ચાકુ વડે સંજયને ગળાના ભાગે ઘા કર્યો હતો, જે બાદ સંજય અને અજાણ્યા શખસ વચ્ચે ઝપાઝપી થતા સંજયને બંને હાથમાં પંજામાં પણ ચાકુના ઘા વાગ્યા હતા. ગભરાઈ ગયેલા સંજયે બૂમાબૂમ કરી દેતા અજાણ્યો શખસ ભાગી છૂટ્યો હતો. સંજય લોહીલુહાણ હાલતમાં ચાલતા ચાલતા કડોદરા ચાર રસ્તા નજીક પહોંચતા તેને ત્યાં પોલીસ કર્મી મળી જતાં પોલીસે તેને તાત્કાલિક નજીકની મોદી હોસ્પિટલમાં ખસેડયો હતો.
GIDC પોલીસ સ્ટેશનના સ્ટાફ સહિતનો કાફલો ઘટનાસ્થળે
ઘટના બાદ કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પીઆઈ વી. કે. પટેલ સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી તપાસમાં પહોંચ્યો હતો. યુવકને ગળાના ભાગે ઓપરેશન કરી ટાંકા લેવામાં આવ્યા હતા. યુવાન સંપૂર્ણ હોશમાં આવ્યા પછી પોલીસને નિવેદન આપ્યા બાદ જ સમગ્ર ઘટનાની સાચી હકિકત બહાર આવે તેમ છે. હાલ પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.