- વાપીમાં પરિણીતાએ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી
- પંખા સાથે દુપટ્ટો બાંધી આત્મહત્યા કરી
- પોલીસે પોસ્ટ મોર્ટમ કરાવી વધુ તપાસ હાથ ધરી
વલસાડ : વાપીમાં ચણોદ કોલોની વિસ્તારમાં આવેલી અલકનંદા બિલ્ડીંગ, 'બી' વિંગમાં ફ્લેટ નંબર 203માં રહેતી અનિતા ભાવેશ ખાનીયા નામની પરિણીતાએ અગમ્ય કારણોસર બેડરૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ લેતા આસપાસના વિસ્તારમાં અરેરાટી મચી ગઇ છે.
આ પણ વાંચો :દ્વારકામાં પરિવારના મોભીનું કોરોનાથી મોત, બીજા જ દિવસે સમગ્ર પરિવારે કરી આત્મહત્યા
સંતાનમાં એક અઢી વર્ષનો પુત્ર
વાપીમાં ગુરુવારે બપોરે 2 વાગ્યા આસપાસ અનિતા ભાવેશ ખાનીયા નામની પરિણીતાએ પોતાના ઘરે બેડરૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. આ અંગે ડુંગરા પોલીસ મથકમાં જાણ થતાં પોલીસે ઘટના સ્થળે જઈ પરિણીતાના મૃતદેહનું નિરીક્ષણ કરી વધુ તપાસ માટે મૃતદેહને વાપીના ચલા PHC ખાતે પોસ્ટ મોર્ટમ માટે મોકલી પોસ્ટ મોર્ટમ કરાવી મૃતદેહને પરિણીતાના પરિવારજનોને સોંપ્યો હતો. જોકે મળતી વિગતો મુજબ ગળેફાંસો ખાઈ અગમ્ય કારણોસર મોતને વહાલું કરનારા અનિતા અને તેનો પરિવાર મૂળ કચ્છનો છે. અનિતાના લગ્ન ચારેક વર્ષ પહેલાં ભાવેશ ભાનુશાલી સાથે થયા હતાં. તેમને સંતાનમાં એક અઢી વર્ષનો પુત્ર છે. અનિતાએ આ પગલું કેમ ભર્યું તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : જામનગરના લાખોટા તળાવમાં આત્મહત્યા કરવા જતી યુવતીની મદદે પહોંચ્યુ 181
માવતર પક્ષને હત્યાની આશંકા
અનિતાના માતા-પિતા, ભાઈ અને મામાના પરિવારમાંથી વિગતો મળી હતી કે, અનિતા આ રીતે ગળેફાંસો ખાઈ લે એ શક્ય નથી. તેમજ તેમનો મૃતદેહ જે બેડ પરથી મળ્યો હતો. તે બેડ અને પંખાની હાઈટ એટલી વધારે નહોતી કે તેમાં લટકીને ગળેફાંસો ખાઈ શકાય. જોકે હાલ આ મામલે તેમને જે શંકા છે તે શંકા અંગે તપાસની માંગણી કરતી રજૂઆત ડુંગરા પોલીસ મથકે કરી હોવાની વિગતો મળી હતી. જ્યારે આ મામલે પોસ્ટ મોર્ટમ રિપોર્ટની પણ રાહ જોવાઈ રહી છે.